વંથલી નજીકના ગાદોઈ ટોલનાકા ઉપર કોડીનારના પીઆઈ સહિતના શખ્સોએ કાર્ડ બતાવવા મુદ્દે બબાલ કરી હતી. જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ વંથલી પોલીસમાં ગુનો નોંધાયા બાદ કેશોદ ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા કોડીનારના પીઆઈ આર.એ. ભોજાણીને રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત રવિવારે ટોલનાકા ઉપરથી પસાર થઈ રહેલા કોડીનારના પીઆઈ ભોજાણી પાસે ટોલકર્મીએ આઈકાર્ડ માંગતા મામલો બીચકયો હતો. જેમાં પીઆઈ સહિતના ર૦ શખ્સો સામે ખૂની હુમલો અને મોબાઈલની લૂંટ કર્યાનો ગુનો દાખલ થયા બાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈજી નિલેશ જાંજડીયા દ્વારા પીઆઈ આર.એ. ભોજાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બનાવમાં કેશોદ ડીવાયએસપી બી.સી. ઠક્કરને તપાસ સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે વંથલી સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજીની અલગ-અલગ ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ પોલીસને એકપણ આરોપી હજુ સુધી હાથ લાગ્યો નથી.