ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં પરંપરાગત રવેડી નીકળશે : ત્રણેય અખાડાના વરિષ્ઠ સંતોનો નિર્ણય

0

સંતો-મહંતોનું ભવનાથ તળેટી ખાતે આગમન : આસન અને ધુણા તૈયાર કરવાની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આગામી તા.પ થી ૮ માર્ચ દરમ્યાન શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવનાર છે ત્યારે આ મેળાને અનુલક્ષીને સંતોનું આગમન ભવનાથ તળેટી ખાતે થઈ રહ્યું છે અને સંતો પોતાના આસન, ધુણા લગાવવા સાથે ધાર્મિક સ્થળોમાં શિવરાત્રી મેળાની જાેરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ છે. આ દરમ્યાન ગઈકાલે જુના અખાડા ખાતે ત્રણેય અખાડાના સંતોની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં પ્રતિ વર્ષ યોજાતા શિવરાત્રી મેળામાં પરંપરાગત રીતે જે રવાડી નીકળે છે તે પરંપરાને જાળવી રાખવાનો ત્રણેય અખાડાના સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ અંગે મળતી વિગત અનુસાર તાજેતરમાં શિવરાત્રી મેળાને લઈને કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શિવરાત્રીએ રવેડી નીકળવા મુદ્દે કેટલાક સંતો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જે મામલે ભવનાથના જુના અખાડા ખાતે ત્રણેય અખાડાના વરિષ્ઠ સંતોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને શિવરાત્રીએ રાબેતા મુજબ અને જે રીતે વર્ષોથી પરંપરાગત રીતે નીકળતી રવેડી કાઢવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગત શુક્રવારે જીલ્લા કલેકટર કચેરી ખાતે શિવરાત્રી મેળાને લઈને તંત્ર દ્વારા સાધુ-સંતો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને રવેડીમાં બગી નીકળવા મુદ્દે ગીરનાર દત્તાત્રેય શિખર સંસ્થાના મહંત મહેશગીરી બાપુએ એવું જણાવેલું કે, રવેડીમાં બગી કરતા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને જે રીતે બગીમાં બેસતા સંસારી લોકો રવેડીના રૂટને અપવિત્ર કરે છે તેના માટે કઈક વિચારવું જાેઈએ ત્યારે સંતોએ અખાડાના સંતોની બેઠકમાં આ માટે નિર્ણય લેવાનું કહ્યું હતું. જે અન્વયે ભવનાથ સ્થિત જુના અખાડા મુકામે ગઈકાલે યોજાયેલી બેઠકમાં ત્રણેય અખાડા જુના અખાડા, અગ્નિ અખાડા અને આહ્વાન અખાડાના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભવનાથ મંદિરના મહંત હરીગીરીજી મહારાજ, ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુ, મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદજી મહારાજ સહિતના સંતો-મહંતો જાેડાયા હતા. આ તકે આ બેઠકમાં જુના અખાડાના થાણાપતી બુધ્ધગીરી બાપુએ રવેડી બાબતે પ્રસ્તાવ મુકયો હતો. જેમાં સૌ હાજર સંતોએ સર્વાનુમતે વર્ષોથી જે રીતે રવેડી નીકળે છે તે જ મુજબ કાઢવાનો નિર્ણય કરીને ઠરાવ પાસ કર્યો હતો. આ તકે ઈન્દ્રભારતી મહારાજે જણાવ્યું કે, શિવરાત્રી મેળામાં ધ્વજારોહણથી લઈને સંતોના શાહી સ્નાન સુધીના જે વર્ષોની પરંપરા અનુસાર ધાર્મિક વિધિવિધાન સાથે કાર્યો કરવામાં આવે છે તે મુજબ જ કરવામાં આવશે અને રવેડીમાં જે રીતે રાજાશાહી મુજબ શાહી રવેડી નીકળે છે તે મુજબ જ રવેડી નીકળશે અને રવેડીમાં જે બગી લાવવાનો પ્રશ્ન છે તે અંગે હજુ આગામી દિવસોમાં અખાડાના વરિષ્ઠ સંતો મળીને વિચારણા કરશે. તેમજ રવેડીમાં જે સંતો અને તેમના સેવકો જાેડાય છે તેઓ પાલખીમાં મર્યાદિત સંખ્યામાં બસે. તેમજ રવેડીમાં જે સંતો જાેડાય તેઓ સંતોની પરંપરા મુજબ સીવેલા કપડા ના પહેરે તેવો અનુરોધ કર્યો હતો. આ તકે હરીગીરીજી મહારાજ સહિતના સંતોએ અને ઉપસ્થિત સંતોએ દત્ત મહારાજની જય બોલાવીને બેઠક પુર્ણ કરી હતી.

error: Content is protected !!