જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે યુવતીને ભગાડી જવાના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો: સામસામી ફરિયાદ

0

જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે યુવતીને ભગાડી જવાના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા કુલ ૧૪ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ માધાભાઈ રાઠોડ(ઉ.વ.૪ર)એ દેવા પબાભાઈ વાળા, રમેશ કરશનભાઈ વાળા, રવિ ભીમાભાઈ વાળા, બાબુ કરશનભાઈ વાળા, વિરા બચુભાઈ વાળા, મંજુબેન રમેશભાઈ વાળા, મિતલબેન રમેશભાઈ વાળા, કંચનબેન દેવશીભાઈ રહે.બધા બલીયાવડ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આ કામના ફરિયાદી પ્રવિણભાઈનો દિકરો પ્રવિણ એકાદ વર્ષ પહેલા આરોપી નં-રની દિકરીને ભગાડી ગયેલ હોય અને અજય ગામમાં આવેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી નં-૧થી ૮નાઓએ ગેર કાયદેસર મંડળી રચી કુહાડી, લોખંડના પાઈપ, લાકડીઓ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદીના ઘરે જઈ ફરિયાદી તથા સાહેદ પરસોતભાઈ તથા સાહેદ જયાબેન તથા સાહેદ કુંદનબેન તથા સાહેદ અજયને ભુંડી ગાળો આપી ઢીકાપાટુ તથા હથિયારોથી શરીરે આડેધડ મારમારી ફરીયાદી તથા સાહેદોને માથાના ભાગે તથા શરીરે લોહીયાળી ઈજાઓ કરી તથા ફરિયાદીને ડાબા હાથમાં ફેકચર જેવી ઈજા કરી તથા શરીરે મુંઢ ઈજાઓ કરી જીલ્લા મેજી.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, ૩ર૪, ૩રપ, ર૯૪(ખ), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ
છે.


જયારે આ જ બનાવના અનુસંધાને દેવાભાઈ પબાભાઈ વાળા(ઉ.વ.૬૦) રહે.બલીયાવડ વાળાએ આ કામના આરોપી અજયભાઈ પ્રવિણભાઈ રાઠોડ, પ્રવિણભાઈ માધાભાઈ રાઠોડ, જયાબેન પ્રવિણભાઈ રાઠોડ, ગૌતમભાઈ છગનભાઈ રાઠોડ, લીલાબેન હનુભાઈ રાઠોડ અને ફરિયાદીની બે દિકરીઓ વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના ભત્રીજા રમેશભાઈની દિકરીને આરોપી નં-૧ એકાદ વર્ષ પહેલા ભગાડી ગયેલ હોય જેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થયેલ હોય જે બાબતેનું મનદુઃખ રાખી આરોપી નં-૧ ફરિયાદીને કહેલ કે શીતલને પાછી ભગાડી જવી છે તેમ કહેતા ફરિયાદી આરોપી નં-રને વાત કરવા જતા આરોપી નં-રએ ફરિયાદીને ભુંડી ગાળો દેવા લાગેલ તેમજ લોખંડનો પાઈપ વાસા તથા હાથમાં મારી દેતા ફરિયાદી ભાગવા જતા તમામ આરોપીઓ ફરિયાદીને ભુંડીગાળો દેવા લાગેલ અને પથ્થરનો છુટા ઘા મારવા લાગેલ જેમાં ફરિયાદીને નાકના ભાગે લાગી જતા લોહીયાળ ઈજા કરેલ તથા શરીરને ભાગે ઈજા થયેલ સાહેદ દિવ્યેશ ઉમેશભાઈ પરમાર વચ્ચે આવતા તેને પણ આરોપીઓ છુટા પથ્થરઓના ઘા મારતા સાહેદને ડાબી આંખ તથા શરીરે ઈજા થયેલ. આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને શરીરે મુંઢ ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજી.ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, ર૯૪(ખ), ૩૩૭, ૩૩૮, ૧૪૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.વી. રાઠોડ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!