કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જૂનાગઢમાં સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર અપાયું : રણનીતિ ઘડશે

0

ખાનગીકરણના નામે જનતાને લુંટવાનું બંધ કરો, સ્માર્ટ મીટર રદ કરો અને જુના મીટર યથાવત રાખવા માંગણી : સ્માર્ટ મીટરનો પ્રશ્ન નહી ઉકેલાય તો શહેર બંધ સહિતના કાર્યક્રમો યોજાશે

સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો ગુજરાતના વિવિધ શહેરોમાં ભારે હોબાળો મચી જવા પામેલ છે અને ઠેર-ઠેર વિરોધના મોર્ચા ખોલી નાખવામાં આવેલ છે ત્યારે જૂનાગઢમાં પણ સ્માર્ટ મીટરના વિરોધમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. પ્રિપેઈડ વીજ મીટરના વિરોધમાં ગઈકાલે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને ઉદેશીને લખાયેલ એક આવેદનપત્ર જીલ્લા કલેકટર મારફત પાઠવવામાં આવેલ હતું અને સ્માર્ટ મીટર રદ કરવાની અને જુના મીટર યથાવત રાખવાની બુલંદ માંગણી વ્યકત કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વર્તમાન સરકાર દ્વારા જનતાની માલિકીના જાહેર ક્ષેત્રના અનેક નિગમો, કંપનીઓ સાહસોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વીજ પુરવઠો પુરૂ પાડતી વીજ કંપનીનું વિકાસના નામે ખાનગીકરણ કરી જાહેર જનતાને લુંટી ખાનગી કંપનીઓને લાભ અપાવવાના ઈરાદા સાથે જાહેર જનતાની સહમતી વિના પ્રિપેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે અને જેના ચાર્જીસ અનેકગણા વધારે છે. જે સામાન્ય જનતાને પરવડે નહી ત્યારે આ પ્રિપેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવવાના વિરોધમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જૂનાગઢ દ્વારા ગઈકાલે કલેકટર તેમજ સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ તકે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, એડવોકેટ જીશાનભાઈ હાલેપૌત્રા, અગ્રણી વહાબભાઈ કુરેશી, મનોજભાઈ ભટ્ટ, કે.ડી. સગારકા, જાણીતા એડવોકેટ અશ્વિનભાઈ મણીયાર, સમજુભાઈ સોલંકી, ફિરોજભાઈ શેખ, અરજણભાઈ દેત્રોજા, અગ્રણી મુન્નાબાપુ કાદરી, હાજીભાઈ ઠેબા, પ્રફુલભાઈ કાલરીયા, હરેશભાઈ રાવળ, પરેશભાઈ વાઘેલા, અલ્લારખાભાઈ સોલંકી, નિલેશભાઈ દેવાણી, જનતા ગેરેજ ગ્રુપ તેમજ સોહિલ સીદ્દીકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ બટુકભાઈ મકવાણાની આગેવાની હેઠળ યોજાયા બાદ હવે જૂનાગઢ શહેર અને જીલ્લાની એનજીઓ, સામાજીક સંસ્થાઓ તેમજ સર્વપક્ષીય આગેવાનોની બેઠક બોલાવી આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે. તેમજ જરૂર પડયે શહેર બંધના કાર્યક્રમ પણ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!