ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરૂધ્ધ જૂનાગઢના યુવાનનું અપહરણ કરી મારમાર્યાની ફરીયાદ

0

જૂનાગઢમાં ગુરૂવારે રાતે કાળવા ચોકમાં પસાર થતી વખતે કાર વ્યવસ્થિત ચલાવવાનું કહેવા મામલે એનએસયુઆઈના શહેર પ્રમુખ એવા સંજય રાજુભાઈ સોલંકી(ઉ.વ.ર૬) નામના યુવાનનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સિતના ૧૧ શખ્સોએ સંજયનું કારમાં અપહરણ કરીને ઉઠાવી જઈને ગોંડલમાં ગણેશગઢમાં નગ્ન કરી વિડીયો ઉતારી, માફી મંગાવીને ઢોર મારીને ભેંસાણ ચોકડીએ ઉતારીને નાસી ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંજય સોલંકી ગુરૂવારે રાતે ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં કાળવા ચોકમાંથી તેના પુત્ર સાથે ઘર તરફ જતો હતો. ત્યારે અચાનક પાછળથી એક કાર એકદમ સ્પીડમાં આવેલ અને બ્રેક મારી હતી. જેથી સંજયે કાર ચાલકને કાર વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ઝગડો શરૂ થયો હતો. કારમાંથી અમુક ઈસમો નીચે ઉતરતા સંજયે કહ્યું કે, તમારે બાધવું હોય તો હું મારા દીકરાને ઘરે મુકીને આવું આમ કહીને સંજય પોતાના ઘર તરફ જતો રહ્યો હતો. ત્યારે આ શખ્સે કાર લઈને પાછળ પાછળ આવ્યા ત્યારે બે કારમાંથી આશરે ૧૦ શખ્સો નીચે ઉતર્યા અને ઝગડો કરવાની તૈયારીમાં હતા ત્યારે સંજયના પિતા રાજુભાઈ સોલંકી આવી ગયેલા અને તેઓએ જાેયું તો કારમાં ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો. તેને ઓળખતા હોવાથી રાજુભાઈએ તે સમયે વચ્ચે પડીને સમાધાન કરાવતા એ ઈસમો જતા રહ્યા હતા અને બાદમાં સંજય રાતે ૩ વાગ્યાના અરસામાં ગામમાં આંટો મારીને પરત ઘરે જતો હતો ત્યારે દાતાર રોડ ઉપર ગાયત્રી દાળીયા ભંડાર સામે અચાનક પાછળથી બે કાર આવી હતી અને સંજયના બાઈકને ઠોકર મારીને પછાડી દીધો અને કારમાંથી પાંચ શખ્સો ઉતર્યા અને સંજયને લોખંડના પાઈપથી આડેધડ માર મારીને કારમાં બેસાડીને અપહરણ કરીને ઉઠાવી ગયા હતા. રસ્તામાં કારમાં એક શખ્સે પોતે પોલીસ હોવાનું કહીને માર માર્યો હતો. બાદમાં ગોંડલ બાજુ અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ જઈને ગણેશ જાડેજાની હાજરીમાં માર મારેલ હતો. તેના પછી તેઓ સંજયને કારમાં બેસાડી ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ ગયા ત્યાં ગણેશના માણસોના હાથમાં પિસ્તોલ જેવા હથીયાર, લોખંડના પાઈપ હતા અને ગણેશની ઓફિસમાં લઈ જઈને કપડા ઉતારીને સંજયનો વિડીયો બનાવી માફી મંગાવી હતી અને આડેધડ માર મારીને કહેલ કે, તું જૂનાગઢ એનએસયુઆઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને આ બાબતે જાે કોઈને ફરિયાદ કરીશ તો મારી નાખીશું તેવી ધમકી આપીને કારમાં બેસાડી ભેંસાણ ચોકડી પાસે ઉતારીને નાસી ગયા હતા. બાદમાં સંજય સોલંકી ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પિતા રાજુભાઈ સોલંકી, સમાજના આગેવાન રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મિત નારણભાઈ સોલંકીને બોલાવ્યા અને તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ અંગે સંજય સોલંકીએ એ ડીવીઝન પોલીસમાં ગણેશ જાડેજા(ગોંડલ) અને અન્ય ૧૦ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૬પ, ૩ર૩, પ૦૪, પ૦૬(ર) આર્મ એકટ અને એટ્રોસિટી અન્વયે ગુનો દાખલ કરીને આગળની તપાસ પીઆઈ વત્સલ સાવજે શરૂ કરી છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ પોલીસને પુરાવા રૂપે આપવામાં આવ્યા છે.
આ બનાવ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ કહ્યું કે, ફરિયાદી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કાર નજીકમાંથી નીકળતા પથ્થર ઉડયો જે મામલે બંને વચ્ચે ઝગડો થયો અને ઘટના સર્જાઈ હતી. આ અંગે ગુનો દાખલ કરીને આ કેસની તપાસ એટ્રોસિટીના ડીવાયએસપીને સોંપવામાં આવી છે અને આરોપીઓને પકડવા માટે એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ અંગે સંજયના પિતા રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેમના પુત્ર ઉપર હિચકારો હુમલો કરનારા આરોપીઓને ર૪ કલાકમાં ઝડપી લેવાની માંગ સાથે આજે જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવશે અને આગામી દિવસોમાં ગોંડલમાં તેમના સમાજના સૌરાષ્ટ્રના આગેવાનોની ઉપસ્થિતિમાં સંમેલનનું પણ આયોજન કરી રહ્યા છીએ. જાે આરોપીઓની ધરપકડ કરવામાં નહી આવે તો તેમનો આખો પરિવાર સામુહિક આત્મવિલોપન કરશે.

error: Content is protected !!