પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને રાણા વડવાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

0

સરકારી શાળામાં ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે સરકારે ભગીરથ પ્રયાસો કર્યા છે : જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર : જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં મધ્યાન ભોજનની ગુણવત્તા ચકાસી

પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરે જિલ્લાના રાણા વડવાળા ખાતે કન્યાશાળા અને પે સેન્ટર કુમાર શાળાના સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળકોના પાયાના શિક્ષણ માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઊભી કરી છે. પહેલા કરતાં અનેક ગણી સુવિધાઓ આજે સરકારી શાળામાં છે. શાળા પ્રવેશોત્સવને કારણે તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળતા ડ્રોપ આઉટ રેશિયો ઘટીને નહિવત થયો છે. આજે તમામ સુવિધાઓ અને ગુણતાલક્ષી શિક્ષણ વ્યવસ્થા ને કારણે વાલીઓ ખાનગી શાળામાથી બાળકને સરકારી શાળામાં પ્રવેશ અપાવે છે તે આ કાર્યક્રમની સિદ્ધિ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ શાળાઓમાં પીવાનું શુદ્ધ પાણી, ગુણવત્તાલક્ષી ભોજન, સ્માર્ટ ક્લાસ, ગુણવત્તાલક્ષી સાહિત્ય, શિક્ષણની કામગીરી ઉપર સતત મોનિટરિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે માહિતગાર કરી વાલીઓને જણાવ્યું હતું કે વાલી પણ સમયાંતરે શાળાની મુલાકાત લે અને તેમના બાળકની પ્રગતિ અંગે શિક્ષકો સાથે સંવાદ કરે. જિલ્લા વિકાસ અધિકારીએ મધ્યાન ભોજનની ગુણવત્તા પણ ચકાસી હતી. શાળા પ્રવેશ કાર્યક્રમમાં બાળકોએ ભાવમય પ્રાર્થના રજૂ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ એક અને બાલ વાટિકાના પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે સરગવાના વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી ગોપાલભાઈ કોઠારી, પ્રાંત અધિકારી પારસ વાંદા, ગામના અગ્રણીઓ એસએમસીના સભ્યો, બીઆરસી સી.આર.સી કોર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!