પતંગોત્સવ : મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, ઉત્સવોને તાયફા ગણતા વિરોધીઓની વિચારધારા ઉપર દયા આવે છે!

0

આજે અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. પતંગોત્સવનું ઉદ્ઘાટન કરાવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરોધીઓને આડેહાથ લીધા હતા. સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે, ‘પતંગોત્સવ ગુજરાતની ઓળખાણ છે પરંતુ વિરોધીઓ પાસે કોઈ મુદ્દા નથી. ઉત્સવો પ્રજાને જોડે છે. તેમની વચ્ચે એકતા સ્થાપિત કરે છે ત્યારે દરેક વાતનો વિરોધ કરતા ઉત્સવોનો વિરોધ કરતા વિરોધીઓની વિચારધારા પર મને દયા આવે છે. એમની પાસે કોઈ વિચારધારા જ નથી. ‘
વિરોધીઓને તકલીફ પડે છે
રૂપાણી બોલ્યા કે વિરોધીઓને તકલીફ પડે છે. ઉત્સવો તેમને તાયફા લાગે છે. એ લોકોની વિચારધારા પર મને દયા આવે છે. વિરોધીઓ આવા ઉત્સવોનો વિરોધ કરી અને પોતાની જાતને નાની કરી રહ્યા છે. આપણે અનાદીકાળથી પતંગોત્સવ ઉજવી રહ્યા છે. પરંતુ જેમની પાસે મુદ્દા નથી તે લોકોને દરેક વાતમાં વિરોધ દેખાય છે.
૬૦૦ કરોડનો પતંગ ઉદ્યોગ
રૂપાણીએ કહ્યું કે ‘અગાઉ રાજ્યમાં પતંગોનો જે વ્યવસાય હતો અને આજે જે વ્યવસાય છે તેમાં ખૂબ મોટું અંતર છે. રાજ્ય સરકારે આપેલા પ્રોત્સાહનના કારણે આજે પતંગોત્સવ ૬૦૦ કરોડનો થયો છે. આજથી બે દાયકા પહેલાં જ્યારે પતંગોત્સવને પ્રોત્સાહન નહોતું મળતું ત્યારે માત્ર ૨૦ કરોડનું પતંગોનું ઉત્પાદન થતું હતું પરંતુ આજે પતંગ ઉદ્યોગ એક નાનકડી ઇન્ડસ્ટ્રીસ બની ગઈ છે.
૫૦ લાખ લોકો સ્ટેચ્યૂ આૅફ યૂનિટીની મુલાકાત લે તેવી કવાયત
રૂપાણીએ જણાવ્યું કે રાજ્યના વિવિધ પ્રવાસનો સ્થળો પર લોકો દેશ-વિદેશમાંથી આવી રહ્યા છે. જુદા જુદા ઉત્સવોના કારણે દુનિયા ગુજરાતમાં આવે તેના માધ્યમથી આર્થિક પ્રગતિ માટે સરકારે કાર્યનો આરંભ કર્યો છે. સ્ટેચ્યૂ આૅફ યુનિટીની ૩૫ લાખ લોકોએ મુલાકાત લીધી હતી પરંતુ હવે ૫૦ લાખ લોકો મુલાકાત લે તેના માટે સરકારે કવાયત કરી છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજથી અમદાવાદમાં રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થયો છે. આ મહોત્સવ ૧૪ જાન્યુઆરી દરમ્યાન ચાલશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે થયું હતું. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પતંગ મહોત્સવમાં ૪૩ દેશોના ૧૫૩ પતંગબાજો તેમજ ૧૨ રાજ્યોના ૧૧૫ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતાં. સાથે જ પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા અને પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિર પણ હાજર રહયા હતાં.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠના ૨૦૦ ઋષિકુમારો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે આદિત્ય સ્તુતિ વંદના કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર પણ કરાશે. દેશ-વિદેશના પતંગબાજો પોતાના દેશના ધ્વજ સાથે પરેડમાં જોડાશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવશે.
તારીખ ૭ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન દરરોજ સવારે ૧૦ થી સાંજે ૪ કલાક સુધી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, વલ્લભસદન ખાતે પતંગબાજો દ્વારા પતંગ ઉડાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં ભાગ લેશે, ત્યારબાદ જુદા-જુદા થીમ આધારિત સ્ટોલ, ક્રાફ્‌ટ સ્ટોલ અને ફૂડ કોર્ટનું પણ નિદર્શન કરશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ ૭ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન દરરોજ રાત્રે ૮ થી ૧૦ કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરાશે.

error: Content is protected !!