જૂનાગઢ સોરઠનાં પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાનો પોષી પુનમ એટલે જગત જનની માં અંબાજી માતાનો પ્રાગટય દિવસ યાને માતાજીનો જન્મ દિવસ તા.૧૦ જાન્યુઆરી ર૦ર૦ને શુક્રવારનાં રોજ ધામધુમથી ઉજવવામાં આવશે. પર્વતોના પ્રપિતામહ એવા ગરવા ગઢ ગિરનારના પાંચ હજાર પગથીયા ઉપર બિરાજમાન માતા અંબાજીનાં પ્રાચીન નીજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનાં પ્રાગટય મહોત્સવે મંદિરના શ્રી મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ, નાના પીરબાવા મહંત ગણપતગીરી બાપુની નિશ્રામાં હજારો માઈભકતોની હાજરીમાં માતાજીને શ્રૃંગાર સાથે શ્રીસુકતના પાઠ, હોમહવન, ગંગાજળ દુધથી માતાજીને અભિષેક કરાશે તેમજ નિજ મંદિરનાં શીખર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવશે. બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ લેવડાવવામાં આવશે. સવારનાં ૭ વાગ્યાથી બપોરનાં ર વાગ્યા સુધી માતાજીનો પ્રાગટયોત્સવ ધામધુમથી ઉજવવામાં આવશે. આ મહોત્સવ અંગેની વિસ્તૃત ચર્ચા કરતા, મંદિરના મહંતશ્રી પૂ.તનસુખગીરી બાપુએ જણાવેલ હતું કે માતાજીની કુલ બાવન (પર) શકિતપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શકિતપીઠ ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.
અહીં માતાજીના ઉદર (પેટ)નો ભાગ પડેલો હોય, જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.
પુરાણકથામાં ઉલ્લેખ છે તે મુજબ પ્રજાપતિ દક્ષે ‘બ્રહસ્પતિસઠ’ નામના એક મહાયજ્ઞનું આયોજન કરેલ હતું જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રીત કરેલ હતા. એક માત્ર પોતાના જમાઈ શિવજીને આમંત્રણ નહિ આપતા સતી પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો હોય, તેમાં મારા પતિ શંકરને આમંત્રણ નથી.
તેમ છતાં માતા પાર્વતીજીએ યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઈ હોવા છતાં માતાજી પહોંચી ગયા, અને પિતા દ્વારા પોતાના પતિની નિંદા સહન ન થતા અત્યંત દુઃખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યજી દીધો. જે વાતની ભગવાન શિવને જાણ થતા, શિવજીએ સતિ પાર્વતીના નિશ્ચેતન દેહને ખંભે ઉચકી તાંડવ નૃત્ય કરવાનું શરૂ કરી દેતા, સૌ કોઈ દેવો ડરી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે જ કાંઈક કરો, નહીં તો સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવીના શરીરના બાવન ટુકડા કર્યા અને ટુકડા જયાં પડયા તે સ્થળે માતાજીની શકિતપીઠો નિર્માણ પામી હતી. જેમાંની એક શકિતપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે તેમ જણાવ્યું હતું.