જૂનાગઢ પંથકના ડેરવાણ ગામ પાસે કન્ટેનરમાં લવાયેલી વિદેશી દારૂની ૭૯૪ પેટી ઝડપાઈ

0

જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા અને પ્રોહીબીશન, જુગાર, બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી પ્રોહીબીશન અને જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો અને પોલીસ ઓફિસરોને સૂચના આપવામાં આવી હતી. ખાસ ઝુંબેશ અનુસંધાને જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ તથા ઈન્ચાર્જ પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલની સુચનાને આધારે ગતરાત્રી દરમ્યાન જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એચ. કોરાટને બાતમી મળેલ કે, ટ્રકમાં બનાવેલા કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં દારૂ છુપાવી જૂનાગઢ ખાતે લાવી, ડેરવાણ ગામ નજીકના વિસ્તારમાં કટીંગ કરનાર છે. આ બાતમીને આધારે પીએસઆઈ બી.એચ. કોરાટ, કે.જે. પટેલ અને સ્ટાફના પોલીસ હેડ કોન્સ. નાથાભાઈ, હુસેનભાઈ, પોલીસ કોન્સ. સંજયસિંહ, જૈતાભાઈ, હિતેશભાઈ, ગોવિંદભાઈ, ભરતભાઈ, ડ્રાઈવર કાનભાઈ સહિતનાએ ડેરવાણ ગ્રામ્ય વિસ્તાર અને હાઈવે ઉપર જુદીજુદી ટીમો બનાવી, સર્ચ ઓપરેશન હાથ ધરતાં જૂનાગઢ-ભેસાણ રોડ ઉપર ડેરવાણ ગામ પાસેથી કન્ટેનર નં. એચઆર ૬૯ડી ૧૬ર૦ના ડ્રાઈવરને રાઉન્ડ અપ કરી કન્ટેનર તપાસતાં જુદી જુદી બ્રાન્ડના દારૂ પેટી નંગ ૭૯૪ બોટલ નંગ ૯પર૮ કિંમત રૂ. ૪૪,૦૪,૦૦૦ તથા કન્ટેનર, મોબાઈલ સહિત રૂ. પ૪,૧૧,૯૭૦ના મુદ્દામાલ સાથે પ્રવિણસિંહ પ્રતાપસિંહ જાટ, (ઉ.વ. ૩ર, રહે. જરોઠ, હરિયાણા), સંદીપ રામકીશન દહીંયા (ઉ.વ. ૩પ, જરોઠ, હરિયાણા)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હરિયાણા ખાતેથી બીજેન્દ્ર અને ભૂપેન્દ્ર નામના ઠેકેદારો દ્વારા મોકલાયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ઝડપાયેલ આરોપીઓ, દારૂ મોકલનાર ઠેકેદારો અને જૂનાગઢમાં જેનો મોબાઈલથી સંપર્ક કરાયો હતો તેના સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ સરકાર તરફે ફરિયાદી બની ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!