જૂનાગઢ મેરેથોન ૨૦૨૦ શહેરને સ્વચ્છ-સ્વસ્થ રાખવા નવી પહેલ બનશે

0

રન ફોર કલીન જૂનાગઢ માટે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આયોજિત મેરેથોન ૨૦૨૦ જૂનાગઢને હેરિટેઝ અને સ્વચ્છ સીટી બનાવવાનો પ્રારંભ બની રહેશે. હરિયાણા યુપી ગુજરાતના વિવિધ શહેરો અને વિશેષ કરીને જૂનાગઢના લોકોના સહયોગથી ૧૦ હજાર જેટલા યુવાનોનાં, લોકોનાં સહયોગથી મેરેથોન ૨૦૨૦ જૂનાગઢ માટે એક નવી પહેલ બનશે તેમ જૂનાગઢના નવયુવાન અને મેરેથોન ૨૦૨૦ના સ્વપ્નદ્રષ્ટા કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. ૨૦૨૧ નું વર્ષ જૂનાગઢના નગરજનો સમાજ શ્રેષ્ઠીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને કોર્પોરેશનની સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોથી જૂનાગઢ શહેરને સ્વચ્છતામાં ટોપટેનમાં લાવવાનું સ્વપ્ન છે આ સ્વપ્નની શરૂઆત મેરેથોનથી થઈ હોવાનું કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું.
૨૧ કિલોમીટર મેરેથોનમાં ભાઇઓના વિભાગમાં દિનેશ ગરૂનાથ માત્ર ૧.૧૨ કલાકના સમય સાથે પ્રથમ, ચાવડા વિગતેરા ૧.૧૩ કલાકના સમય સાથે બીજા,રમેશ માળી ૧.૧૫ કલાકના સમય સાથે ત્રીજા, રામનીવાસ બિલુ ૧.૧૫.૨૧ કલાકના સમય સાથે જયારે બહેનોના વિભાગમાં, પ્રીન્સી ઝાખર ૧.૨૫.૨૦ કલાકના સમય સાથે પ્રથમ, રૂતુરાજ સીંધુ ૧.૩૧ કલાકના સમય સાથે બીજા, કવિત સંજય ૧.૪૪ કલાકના સમય સાથે ત્રીજા સ્થાને વિજેતા થયા હતા. વિજેતાઓને રોકડ પુરષ્કાર અને મેડલથી મહાનુભાવોના હસ્તે સન્માનીત કરાયા હતા.
ભવનાથ ખાતે ગિરનારની ગોદમાં દસ હજાર જેટલા લોકો સંગીતના તાલે ઝૂલતા નાચતા કોર્પોરેશનના આયોજનને મનભરીને માણ્યું હતું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, મેયર ધીરૂભાઈ ગોહેલ, નરસીંહ મહેતા યૂનિ. કુલપતિ ચેતન ત્રીવેદી, રેન્જ આઇ.જી. મનિન્દરસિંહ પવાર, જિલ્લા વિકાસ અધીકારી પ્રવિણ ચૌધરી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, શશીકાંતભાઈ ભીમાણી, જ્યોતિબેન વાછાણી, યોગીભાઈ પઢીયાર મેરેથોનના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. જવાહરભાઇ ચાવડાએ ફુગ્ગા અવકાશમાં છોડીને મેરેથોનનો પ્રારંભ કરાવ્યો ત્યારે ભવનાથ જય ગિરનારી મહારાજના નાદથી ગુંજી ઉઠ્‌યું હતું. બે કલાક સુધી મેરેથોનને માણવા આવેલા લોકો સંગીતના સૂર અને તાલે ઝૂમ્યા હતા. આ પ્રસંગે શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર, કોર્પોરેટરો પુનીત શર્મા, એભાભાઈ કટારા, સંજય કોરડીયા, આદ્યાશક્તિબેન મજમુદાર, શિલ્પાબેન જોશી, આરતીબેન જોશી, ભાવનાબેન, વાલભાઈ આમહેડા, પલ્લવીબેન ઠાકર કિશોરભાઇ, હિતેશ ઇલાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા ડો.સીમાબેન પીપલીયા દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરાયું હતું. હાફ મેરેથોન ૨૧ કિલોમીટર, રન ફોર કલીન ૧૦ કિલોમીટર, ફન રન પાંચ કિલોમીટર અને મીની રન ૧ કિલોમીટરની સ્પર્ધા આયોજિત કરાય હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઇ વિહળે કર્યું હતું. સમગ્ર ઈવેન્ટને સફળ બનાવવા કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
જૂનાણાએ મન ભરીને માણી મેરેથોન
જૂનાણુ અર્થાત અમારૂ જૂનાગઢ ગિરનારની ગોદમાં સમાયેલા આ શહેરે આજે સૌ પ્રથમવાર આયોજિત મેરેથોનને મન ભરીને માણી હતી. કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે પાંચના ટકોરે દસ હજાર જેટલા લોકો જે જૂનાગઢને ચાહતા હતા જૂનાગઢને પ્રેમ કરતા હતા તે ભવનાથમાં મેરેથોન જૂનાગઢ માટે ભેગા થયા હતા. મેરેથોનના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા સાથે ભવનાથમાં સંગીતના સૂરે અને તાલે લોકો મોકળા મને ઝૂમ્યા હતા નાચ્યા હતા. નાના બાળકોના સ્કેટિંગ વચ્ચે સ્ટેજ ઉપર તમામ કોર્પોરેટર આગેવાનો પણ મન મૂકીને નાચ્યા હતા. મેરેથોનમાં સહભાગી સંદીપ વસાવડાએ કહ્યું કે અમે આભારી છીએ કોર્પોરેશનના મેયર ધીરૂભાઈ ગોહેલ અને કમિશ્નર તુષાર સુમેરાના જેમણે પ્રથમ મેરેથોનની ભેટ આપી. જૂનાગઢ માટે આ ઇવેન્ટ આ શહેરના વિકાસ માટે એક સિમાચિન્હરૂપ બનશે.

error: Content is protected !!