જૂનાગઢ સહિત સોરઠમાં વાદળછાયું ભેજવાળું હવામાન, રોગચાળો વકર્યો

0

જૂનાગઢ સહિત સોરઠમાં આજે વાદળછાયું ભેજવાળું હવામાન છવાયું છે. સવારે ઝાકળ અને ધુમ્મસ, બપોરે ગરમી અને મોડી સાંજ તેમજ રાત્રીનાં ઠંડુગાર વાતાવરણ છવાઈ જતું હોય આ મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકર્યો છે. મિશ્ર હવામાનથી ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવનાં વાયરા વધુ જોવા મળી રહ્યાં છે. અગાઉ ભારે ઠંડી પડ્યાં બાદ હવે ધીમે-ધીમે ઠંડી સાવ ઘટી ગઈ છે. પરંતુ વહેલી સવારે ઝાકળ વર્ષાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગનાં જણાવ્યાં મુજબ આજનું મહત્તમ તાપમાન ૧૮ ડિગ્રી, ન્યુનતમ તાપમાન ૧૪.૦૯ ડિગ્રી રહ્યું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા જેવું નોંધાયું હતું. જયારે પવનની ગતિ ૩.૬ની નોંધાઈ છે. શિવરાત્રીનાં મેળા દરમ્યાન સામાન્ય ઠંડી જાવા મળી હતી અને હવામાન વિભાગ દ્વારા ર૩ માર્ચ પછી ગરમીનું પ્રમાણ વધશે એવી આગાહી કરાઈ હતી. પરંતુ હજુ પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય ઉનાળો હજુ શરૂ થયો નથી, પરંતુ હવે ટુંક સમયમાં જ ઉનાળાની કાતિલ ગરમી પડવી શરૂ થઈ જશે. જા કે અત્યારે તો મિશ્ર ઋતુનાં કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે.
મિશ્ર વાતાવરણથી ગઈકાલે જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી. ખાનગી હોસ્પીટલોમાં પણ દર્દીઓની ભીડ વધુ જોવા મળી રહી છે. આ મિશ્ર ઋતુથી રોગચાળો વકર્યો હોય ત્યારે આરોગ્ય તંત્રએ આ રોગચાળાને કાબુમાં લેવા જરૂરી પગલા લેવા જરૂરી છે. પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા નિષ્ક્રીયતા સેવવામાં આવી રહી હોવાનું પણ જોવા મળી રહયું છે.