તાજેતરમાં જૂનાગઢ શહેરના દોલતપરા ખાતેથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એસ.એસ.સી. તથા એચ.એસ.સી. ના વિદ્યાર્થીઓના બદલે ડમી વિદ્યાર્થીઓ બેસાડવા માટે બોગસ રિસીપ્ટ બનાવવાના કૌભાંડમાં આરોપીઓ રાજેશ ડાયાભાઇ ખાંટને પોતાના રહેણાંક મકાન ખાતેથી રિસીપ્ટ બનાવવાના સાધનો, મોબાઈલ તથા રિસીપ્ટની નકલો સહિતના કુલ રૂ. ૪૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી, આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓ પ્રવીણ પુંજાભાઈ સોલંકી આહીર (રહે. બામણાંસા ગામ, તા. કેશોદ) તથા આરોપી રાણાભાઇ હકાભાઈ ટાપરિયા ગઢવી (રહે. ભીમદેવળ ગામ, તા. કોડીનાર) સહિતના ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. આ બાબતે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, ગુન્હાના મૂળ સુધી પહોંચવા, ગુન્હાની તપાસ જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને સોંપવામાં આવેલ છે. તેઓ દ્વારા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.રામાણી, ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આર.કે.ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મનસુખભાઇ, પંકજભાઈ, વિકાસભાઈ, ભનુભાઈ, કમલેશભાઈ, પૂંજાભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઇ, યશપાલસિંહ, શાહીલ શમા સહિતનાની જુદી ત્રણ જુદી ટીમો બનાવી, પકડાયેલા મુખ્ય સૂત્રધાર રાજેશ ગુજરાતી, આરોપી પ્રવીણ પૂંજાભાઈ સોલંકી તથા રાણાભાઈ હકાભાઈ ગઢવીને કોર્ટમાં રજુ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. વિશેષમાં આરોપી રણજીત ગઢવીને પકડવાનો બાકી હોઈ, વિવિધ મુદ્દાઓ સર દિન ૦૭ ના પોલીસ રિમાન્ડની માંગણી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા, જજ શ્રી રાણાએ આરોપીઓના ૩ દિવસનાં પોલીસ રિમાન્ડ મંજુર કરેલ છે અને તપાસ હાથ ધરતાં મૂખ્ય સૂત્રધાર આરોપી રાજેશ ગુજરાતીને પકડાયેલ આરોપી પ્રવીણ સોલંકી દ્વારા ૧૩ રિસીપ્ટ, પકડાયેલ આરોપી રાણા ગઢવી દ્વારા ૦૩ રિસીપ્ટ, વોન્ટેડ આરોપી રણજિત ગઢવી દ્વારા ૦૭ રિસીપ્ટ અને પોતાની ૨૧ રિસીપ્ટ મળી, આશરે ૪૪ રિસીપ્ટ મેળવેલ, જેની ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાની હતી. જે પૈકી ૦૪ રિસીપ્ટ વોન્ટેડ આરોપી રણજિત ગઢવીને બનાવીને આપી હતી અને ત્રણ ડુપ્લીકેટ બનાવેલ રિસીપ્ટ પકડાયેલ છે. આરોપી રાણા ગઢવી એક વિદ્યાર્થીના બદલે પોતે પરીક્ષામાં બેસવાનો હોઇ, એક ડુપ્લીકેટ રિસીપ્ટ પોતાના નામની બનાવેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. વધુમાં પકડાયેલ આરોપી રાજેશ ગુજરાતી ટ્યુશન કલાસ ચલાવે છે અને પોતાને ટીબી ની બીમારી હોઈ, રૂપિયાની જરૂરિયાત હોઈ, ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાનું શરૂ કરેલ જ્યારે આરોપી રાણાભાઈ ગઢવી કંડકટર તરીકે એસ.ટી.માં નોકરી કરે છે અને વિવિધ નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપે છે, તેના પિતાને પેરાલીસીસની બીમારી હોઈ, રૂપિયાની જરૂરિયાત હોઈ, પોતે જાતે પરિક્ષા આપવા લલચાયેલ તેમજ આરોપી પ્રવીણ સોલંકીને પોતાના ગામમાં ત્રણ જ વીઘા જમીન હોઈ, ખેતીની આવકમાં પૂરૂં થતું ના હોઈ, ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવામાં રૂ. ૩,૦૦૦ મળતા હોય, તેથી આ કામ કરવા પ્રેરાયેલ હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે. અંતમાં બોગસ રિસીપ્ટ પ્રકરણની પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ કેટલાક શખ્સો સામે કાર્યવાહી થવાની શકયતા છે.