જૂનાગઢ સહિત સોરઠમાં હોળી અને ધૂળેટીનાં તહેવારની ઉત્સાહભેર થયેલી ઉજવણી

0

જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળી અને ધુળેટીનાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જૂનાગઢ મહાનગર અને સોરઠવાસીઓએ હોલીકાપર્વની ભાવભેર ઉજવણી કરી હતી. સૌપ્રથમ ગિરનાર પર્વત ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં મંદિરે હોલી પ્રગટાવવામાં આવી હતી અને ત્યારબાદ જૂનાગઢ શહેરનાં અનેક વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવેલ આ ઉપરાંત ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે પણ પૂ.ભિમબાપુનાં સાંનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પ્રગટાવવામાં આવી હતી અને આ સાથે જ જૂનાગઢ અને સોરઠમાં હોલીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગત બુધવારે હોળી પર્વની ઉજવણી થઈ હતી જેમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ચોકમાં સ્થાનિક યુવક મંડળો દ્વારા ભાવભેર હોળી પ્રગટાવવામાં આવી હતી અને નગરજનોએ હોળી માતાજીનાં દર્શન કર્યા હતા. તેમજ પોતાનાં પરિવાર માટે શાંતિ એખલાસની કામનાં કરી હતી. હોળી માતાને ખજુર, ટોપરૂ, ધાણી, દાળીયા, હારડાનો પ્રસાદ પણ ધરાવવામાં આવેલ હતો અને ઠેર-ઠેર હોલીકા ઉત્સવનાં કાર્યક્રમો યોજાયા હતા. હોળી પર્વની ગુરૂવારે શાંતિમય રીતે ઉજવણી થયા બાદ બીજા દિવસે એટલે કે શુક્રવારે રંગોના તહેવાર એવા ધુળેટી પર્વ ખુબ જ ઉમંગભેર ઉજવવામાં આવેલ સવારથી જ વિવિધ વિસ્તારોમાં એપાર્ટમેન્ટોમાં અને વિવિધ મહોલ્લાઓ તથા શેરીઓમાં અને પરિવારજનો તેમજ મિત્ર, સર્કલો અને સંસ્થાઓમાં પણ ધુળેટી પર્વ ઉજવવામાં આવ્યું હતું પરસ્પર અબીલ, ગુલાલનાં રંગોની છોળો વચ્ચે ધુળેટી પર્વની શુભકામનાં પાઠવી હતી અને તમામ પ્રકારનાં રાગ, દ્વેષથી મુકત બની અને લોકોએ ધુળેટી પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. કયાંય તિલક હોળીનાં કાર્યક્રમો પણ યોજાયા હતા અને શાંતિયમ વાતાવરણમાં ધુળેટી પર્વ ઉજવાયું હતું. હોળી અને ધુળેટીનાં પર્વને લઈને સોરઠ/જૂનાગઢ પોલીસ વિભાગે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને શાંતિભર્યા વાતાવરણમાં તકેદારીનાં પગલાં લીધા હતા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળી, ધુળેટી પર્વ ઉજવવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેરમાં હુતાસણી અને ધુળેટી પર્વની વિવિધ વિસ્તારોમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિવાન ચોક, જવાહર રોડ ઉપર આવેલ સ્વામી મંદિર ચોક, ગાંધીગ્રામ વિસ્તારમાં હોલીકાદહનનાં કાર્યક્રમ યોજાયા હતા. દરેક સોસાયટી-મહોલ્લાઓ, શેરીમાં આનંદ અને શાંતિપૂર્વક નાના બાળકો અને યુવાનો દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરાઈ હતી.

 

error: Content is protected !!