હોળી અને ધુળેટીનાં તહેવારને લઈને બજારોમાં ધુમ ખરીદી

0

જૂનાગઢ સહિત સોરઠ, સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હોળી અને ધુળેટીનાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે અને બજારોમાં તહેવારોને લઈને ધાણી, દાળીયા, ખજુર સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે.
સત્ય અને અસત્યની લડાઈની દંતકથા સમા હોળી અને ધુળેટીનાં તહેવારો ઉપર દર વર્ષે ઉત્સાહમય ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્રમાં થતી હોય છે. ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડી અને હોલીકાએ અગ્નિમાં બેસેલ અને ભગવાનનાં પરમ ભક્ત એવા ભક્ત પ્રહલાદનો વાળ વાંકો થયો નહીં અને હિરણ્ય કશ્યપની બહેન હોલીકાનો નાશ થયો હતો. આમ ર્દુજ્જન સામે સજ્જનનો વિજય થયો હતો. પરંપરા અનુસાર આ તહેવારની ઉજવણી ભાવભેર યોજવામાં આવે છે. સોમવારથી હોળાષ્ટક શરૂ થયાં છે અને હોળાષ્ટક દરમ્યાન કોઈ શુભકાર્યો થતાં હોતાં નથી. આજથી બે દાયકા પહેલાનું ગ્રામ્ય વિસ્તારનું દૃશ્ય જાઈએ તો સાંજના સમયે બહેનો દ્વારા હોળી માતાનાં ગીત રોજે-રોજ ગવાતાં હોય અને હોળીનાં દિવસે ગામનાં ચોકમાં છાણાઓનો મોટો ઢગલો કરી અને હોળી શુભ ચોઘડીયે પ્રગટાવવામાં આવતી હોય છે. હોળી માતાની પ્રદક્ષિણા ફરી અને બાળકોની રક્ષા માટે હોળી માતાને પ્રાર્થના કરવામાં આવતી હોય છે. શ્રીફળ, હારડો, ખજુર, ધાણી, દાળીયાં વગેરે ધરાવાતાં હોય છે. આગામી સોમવારે હુતાસણીનું પર્વ હોય સમગ્ર સૌરાષ્ટ્રમાં તેની ઉજવણી થશે. જૂનાગઢ શહેરમાં ચોકે-ચોકે હોળીની ઉજવણી થતી હોય છે. છાણાંનો વિશાળ ઢગલો કરી અને હોલીકાદહન કરવામાં આવતું હોય છે. સૌપ્રથમ ગિરનાર પર્વત ઉપર અંબાજી માતાજી મંદિરે હોળી પ્રગટાવ્યાં બાદ અન્ય સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવે છે. અંબાજી મંદિર, દાતારબાપુની જગ્યા તેમજ જૂનાગઢ શહેરનાં અનેક વિસ્તારોમાં મહોલ્લાઓમાં, સોસાયટીઓમાં હોલીકા દહનનાં કાર્યક્રમો આ વર્ષે પણ યોજવામાં આવશે અને આ હોળીની ઝાળ ઉપરથી આગામી વર્ષ કેવું જશે તેની આગાહી કરવામાં આવતી હોય છે અને વર્તારો બહાર પાડવામાં આવતો હોય છે.હોળી અને ધુળેટીનાં તહેવારને આડે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે બજારોમાં ખજુર, ધાણી, દાળીયાં, હારડા સહિતની વસ્તુઓથી બજાર ઉભરાઈ રહ્યું છે. ખાસ કરીને દાળીયાં, ધાણી રૂ.૩૦ થી માંડીને રૂ.૬૦ સુધીમાં તેનું વેંચાણ થતું હોય છે. આ ઉપરાંત હોળીનાં બીજા દિવસે ધુળેટીનો તહેવાર આવતો હોય છે. આ તહેવાર એટલે રંગોનો તહેવાર ગણાય છે અને આ તહેવાર ઉપર પરસ્પરનાં તમામ મતભેદો ભુલી અને લોકો એકબીજાને વિવિધ રંગોથી ભરી દેતાં હોય છે અને સબસે ઉંચી પ્રેમ સગાઈની માફક હર્યાભર્યા અને હશીખુશીનાં વાતાવરણમાં ધુળેટીનું પર્વ ઉજવવામાં આવે છે અને દરેકનાં જીવનમાં હશી-ખુશીનું વાતાવરણ સર્જાય છે. પાણીનો બગાડ ન થાય તે માટે અને છેલ્લાં કેટલાક વર્ષોથી તિલક હોળી પણ ઉજવાતી હોય છે. ધુળેટી પર્વને અનુલક્ષીને જૂનાગઢની બજારોમાં પિચકારી અને કલરો પણ જાવા મળે છે. રૂ.૩૦ થી માંડીને રૂ.૭૦૦ સુધીની રંગબેરંગી અને આકર્ષક પિચકારીથી બજાર ઉભરાયું છે અને ખાસ કરીને નાના બાળકોને પિચકારીનો અને કલર ઉડાડવાનો બહુ શોખ હોય છે તેથી તેમનો આ શોખ પોષવા માટે પરિવારજનો કલર અને પિચકારીની ખરીદી કરી રહ્યાં છે.જૂનાગઢ શહેર જીલ્લાની હવેલીઓમાં રાળનાં દર્શનથી હવેલીમાં હોળી ઉત્સવની શરૂઆત થઈ ચુકી છે.

error: Content is protected !!