કોરોના વિરૂધ્ધનાં જંગમાં જૂનાગઢે સજ્જડ બંધ પાળ્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કોરોના વાયરસનાં યુધ્ધમાં જૂનાગઢ વાસીઓ જોડાયા હતાં અને હમ સાથ સાથ હૈનો કોલ આપી જનતા કફર્યુને દિલથી વધાવી લઈ જૂનાગઢીઓએ શનિવાર તા.ર૧ થી જ આંશિક રીતે મહત્તમ સ્વયંભૂ બંધ પાળી અને તા.રર-૩-ર૦ર૦ રવિવારનાં રોજ સવારનાં સાતથી લઈ રાત્રીનાં ૯ સુધી લોકો પોતાનાં ઘરમાં રહી અને પ્રચંડ સમર્થન આપ્યું હતું. ચારે દિશામાં બજારો બંધ, ધાર્મિક સ્થળો બંધ, નિશાળો બંધ, મનોરંજન, પ્રવાસન ધામો બંધ, સર્વત્ર બંધ સાથે બજારો સુમસામ ભાસતી હતી. આવશ્યક સેવા અને ઈમરજન્સી સેવાઓ વચ્ચે જૂનાગઢ સજ્જડ બંધ રહ્યું હતું. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનાં ગંભીર વાયરસને પગલે હાહાકાર મચી ગયેલો છે. આ વાયરસ કયારે કયાં પહોંચી જાય અને કેવો ઘાતક બની શકે તેની કલ્પના માત્રથી ભય પ્રસરી જતો હોય છે. એવા સંજાગોમાં ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગમે તેવી કટોકટી હોય તો પણ તેમાંથી માર્ગ કાઢવામાં મોખરે ભૂમિકા ભજવી છે અને જેમની દિર્ધદ્રષ્ટિ અને સ્ટ્રેટેજી હરીફોને પરાજીત કરતી રહી છે. ભારતદેશની પ્રજાને કોરોનાનાં રોગચાળામાંથી બચાવવા માટેનાં ભાગરૂપે કેન્દ્રીય સ્તરે તથા રાજય સ્તરે, જીલ્લા સ્તરે, ગ્રામ્ય સ્તરે દેશભરમાં કોરોનાનો જંગ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ખુદ વડાપ્રધાને ભારતવાસીઓને એક સપ્તાહનો સમય આપવા લોકોને અપીલ કરી હતી એટલું જ નહીં રર માર્ચના દિવસે જનતા કફર્યુનું એલાન કરી લોકોને સવારનાં ૭ વાગ્યાથી લઈ અને રાત્રીનાં ૯ વાગ્યા સુધી ઘરબંધી માટેની અપીલ કરી હતી. જેનાં સમગ્ર ભારત દેશમાં જબ્બર પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં પણ લોકોએ જનતા કફર્યુને પુરતું સમર્થન આપ્યું હતું. ત્યારે જૂનાગઢવાસીઓએ પણ પાછીપાની કરી નથી. વહેલી સવારથી લઈને મોડી રાત્રી સુધી સ્વૈચ્છીક સ્વયંભૂ બંધ પાળી જનતા કફર્યુમાં જોડાઈ હતી. જૂનાગઢ શહેરનાં ચારેય દિશામાં આવેલા માર્ગો સવારથી જ મંથરગતીએ ચાલતા હોય તેવા લાગતાં હતાં. માર્ગો સુમસામ જોવા મળતાં હતાં. લોકોની અવરજવર એકલ-દોકલ અને કયારેક જરૂર પુરતી અને આવશ્યક હોય તો જ જોવા મળતી હતી. લોકોએ જનતા કફર્યુમાં સ્વયંભૂ રીતે જોડાઈ અને પ્રચંડ સમર્થન આપ્યું છે. બીજી તરફ વાત કરીએ પ્રશાસન તંત્રની તો લોકોની સુરક્ષા અને કોરોનાં જેવી ગંભીર વાયરસનાં ખતરાને ટાળવાનાં ભાગરૂપે સાવચેતીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યાં હતાં. રેન્જ આઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની દોરવણી હેઠળ જૂનાગઢ શહેરની પોલીસની ટીમો તેમજ બ્રિગેડનાં જવાનો, મહીલા પોલીસ અને સંયુકત દળો સંયમપૂર્વક ફરજ બજાવતાં હતાં. આ ઉપરાંત જીલ્લા કલેકટર સૌરભ પારઘી, કમિશ્નર તુષાર સુમેરા, ડીડીઓશ્રી પ્રવિણ ચૌધરી, જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી મહેતા તેમજ સંયુકત વિવિધ વિભાગોની ટીમ અને પદાધિકારીઓ પણ સતત ખડેપગે જોવા મળતા હતાં. આ ઉપરાંત જીલ્લાનું મુખ્યમથક અને ઐતિહાસીક નગરી એવું જૂનાગઢ શહેર કે જે કોમી એકતાની મિશાલ સ્વરૂપ છે અને કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે સંકળાયેલા બંને સમાજનાં ધર્મગુરૂઓ પણ સમાજની સાથે જ રહેતા હોય છે. વડાપ્રધાન દ્વારા જનતા કફર્યુની અમલવારી માટે જૂનાગઢ શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજનાં ધર્મગુરૂ સંતો, મૌલવીઓએ પણ જનતા કફર્યુને સમર્થન આપવા અપીલ કરી હતી જેને પણ દરેક સંપ્રદાયનાં લોકોએ વધાવી લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કફર્યુમાં જોડાવાની અપીલને જૂનાગઢવાસીઓએ સમર્થન આપી સ્વયંભૂ જોડાઈ લોકોની સુખાકારી માટે કફર્યુને આવકારી સજ્જડ બંધ પાળ્યો હતો.

error: Content is protected !!