કોરોના વાયરસને વૈશ્વીક મહામારી જાહેર કરાઈ હોય જેનાં પગલે કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજય સરકાર દ્વારા મહત્વની સુચનાઓ અને માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે. જે સંદર્ભે પેસેન્જર વાહનોને રાજયની અંદર તેમજ ગુજરાત રાજયમાંથી અન્ય રાજયોમાં આવવા-જવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે. ગુજરાતની સરહદ ઉપર અન્ય રાજયોથી વાહનોને પરત મોકલી દેવાયા છે. માત્ર આવશ્યક પુરવઠાનાં વાહનોને જ પ્રવેશ અપાઈ રહયો છે. રાજયનાં તમામ જીલ્લાઓમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે. આ સંદર્ભે આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓને મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉન અન્વયે તમામ દુકાનો, વાણીજયક સંસ્થાઓ, ઓફીસો, ફેકટરી, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, વર્કશોપ, ગોડાઉન ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. લોકડાઉનનાં અસરકારક અમલીકરણ માટે રાજયભરમાં એસઆરપીએફની કુલ ૬ કંપનીઓ તેમજ આરએએફની ૪ કંપનીઓ ફાળવાઈ છે. આ જાહેરનામાનો અસરકારક અમલીકરણ કરવા માટે સર્વે પોલીસ કમિશ્નર, જીલ્લા મેજીસ્ટ્રેટ તથા જીલ્લા પોલીસ વડાએ પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ ૧૮૮ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરાશે અને તે સજાને પાત્ર થશે એમ રાજયનાં ગૃહ વિભાગનાં ઉપસચિવ પંકજ દવેની અખબારી યાદીમાં જણાવાયું છે.