ગાંધીનગર,તા.ર૪
કોરોના વાયરસના વધી રહેલા વ્યાપ વચ્ચે લોકોને સહકારની અપીલ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને ગંભીરતાથી લઈ ખાસ અગત્યના કામ કે ઈમરજન્સી સિવાય લોકોએ બહાર નીકળવું નહીં જો આવું કરશો તો પસ્તાવવાનો વારો આવશે.
વડાપ્રધાન મોદીએ સવારે ટિ્વટ કરીને લોકોને તેમજ રાજ્ય સરકારોને લાકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. જે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાને સંબોધતા લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે. સાથે જ મુખ્યમંત્રીએ જીવનજરૂરી તમામ વસ્તુઓની કોઈ જ અછત ઊભી નહીં થાય તેની પણ ખાતરી આપી છે. મીડિયાને સંબોધતા વિજય રૂપાણીએ કહ્યું છે કે, જ્યાં સુધી કોઈ કટોકટી ન હોય ત્યાં સુધી ઘર બહાર નીકળવું જ નહીં. જો આવું કરશો તો પસ્તાવાનો વારો આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, “અમેરિકા, જર્મની યુકે જેવા વિકસિત દેશો પણ કોરોના સામે હાંફી ગયા છે, ત્યારે આપણે ત્યાં પરિસ્થિતિ ગંભીર બની શકે છે. આ માટે ચાલે એમ ન હોય ત્યાં સુધી ક્યાંય બહાર નીકળવું જ નહીં. સામાન્ય રીતે લોકો ફરિયાદ કરતા હોય છે કે અમને પરિવારના લોકો માટે સમય નથી મળતો, તો આ સમય તમારા પરિવારના લોકો સાથે વિતાવો. જો કોઈ બિનજરૂરી બહાર નીકળશે તો પોલીસને પણ રોકવાની સૂચના આપવામાં આવી છે. આથી કોઇએ કારણ વગર બહાર નીકળવું નહીં.” આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જીવનજરૂરી વસ્તુઓ જેવી કે શાકભાજી, દૂધ, કરિયાણું વગેરેની કોઈ જ અછત નહીં થાય. તે તમામ પુરવઠો પૂરો પાડવામાં આવશે.