કોરોનાંથી વિશ્વ વ્યાપી મૃત્યુઆંક ર૧,ર૦૦ ઃ ઈટાલીમાં એક દિવસમાં ૬૮૩ અને સ્પેનમાં ૬પ૬નાં મોત
વોશીંગ્ટન તા. ર૬ કોરોના વાઈરસની મહામારી વિશ્વના ૧૯૫ દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૨૧૨૮૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૪ લાખ ૭૧ હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ ૧૪ હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનથી શરૂ થયેલા આ વાઈરસે સૌથી મોટી તબાહી ઈટાલીમાં મચાવી છે. અહીં ૭૫૦૩ લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ઈટાલીમાં ૬૮૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં ૫૨૧૦ નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ ૭૪૩૮૬ થયા છે. કોરોના વાઈરસને લઈને થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં થયેલા મોતમાં ૮૦ ટકા લોકો ૬૦ વર્ષથી મોટી ઉંમરના હતા. ચીનમાં કુલ ૮૧૨૮૫ કેસ નોંધાય છે, જેમાં ૩૨૮૭ લોકોના મોત થયા છે. ચીનમાં એક્ટિવ કેસનો આંકડો ચાર હજારની અંદર જતો રહ્યો છે, એટલે કે હાલ ચીનમાં ૩૯૪૭ કોરોના વાઈરસના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિએ કોરોના વાઈરસના સારવારના અનુભવને વિશ્વના તમામ દેશો સાથે શેર કરવાની વાત કરી છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક ૩૬૪૭ પહોંચી ગયો છે. સ્પેનમા મોતનો આંકડો ચીન કરતા પણ વધી ગયો છે. સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેમની તબીયત ચાર દિવસથી ખરાબ હતી. ઘરમાં આઈસોલેશનમાં રહીને જ સરકારી કામકાજ કરી રહ્યા હતા. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેની સાથે કામ કરનાર દરેક વ્યક્તિને ક્વારેન્ટાઈનમાં રહેવાનો આદેશ કર્યો છે.
હોંગકોંગમાં બુધવારે ૨૪ નવા કેસ નોંધાયા અહીં કુલ પોઝિટિવ કેસ ૪૧૦ થયા છે. હોંગકોંગ સરકારે અન્ય દેશો સાથેની સરહદને બંધ કરી દીધી છે. અહીં ચાર લોકોના મોત થયા છે.
બ્રિટનના આરોગ્ય વિભાગે કહ્યું હતું કે બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૫૨ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા ૯૫૨૯ થઈ ગઈ છે. અહી રોજ ૨૫ હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે. બ્રિટનમાં મૃત્યુઆંક ૪૬૫ થયો છે.