જૂનાગઢ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરાયો

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત લોકોને ઘરની બહાર નીકળતા અટકાવવા માટે લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં હોવાની અને લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, તેવા લોકોને પકડી ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવેલ છે. સાથે સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એફ.એમ. રેડિયોના આર.જે. અજય તથા આર.જે. નીતિન હરિયાણીની મદદથી ઓડિયો કલીપ બનાવી, લોકોને સાવચેત રાખવા માટે બનાવવામાં આવેલ ઓડિયો ક્લિપ સમગ્ર શહેર તથા જિલ્લામાં પોલીસ મોબાઈલમાં રહેલ માઇક તેમજ રિક્ષાઓમાં માઇક ગોઠવી, લોકોને સંભાળાય શકે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવી, જુદા જુદા વિસ્તારમાં લોકોને વારંવાર સાવચેત રહેવા જાણ કરવાની અલગ વ્યવસ્થાના નવતર પ્રયોગ, અભિગમ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વારંવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં તેમજ લોકોના ફાયદા માટે ઘરમાં રહેવા અવાર નવાર જાહેરાત કરવામાં આવેલ હોવા છતાં, અમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, કોરોના વાયરસનાં ફેલાવા બાબતને હળવાશથી લેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે જાગૃત કરવા માઇક દ્વારા જાહેરાત કરવા શરૂ કરવામાં આવેલ છે. આજ પ્રકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર, માળીયા હાટીના તથા ભેંસાણ સહિતના તાલુકા મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા પણ આજ પ્રકારે કાર્યવાહી કરી, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.