રૂ. બે લાખ રોકડા ભરેલી બરણી ટ્રોલીમાં ભુલી જનારને રકમ પરત અપાવતી મેંદરડા પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે. આ સંજોગોમાં ઘણા લોકોએ પોતાના લગ્ન પ્રસંગ અને અન્ય સામાજિક કામો સ્વેચ્છાએ મોકૂફ રાખી, આ લોક ડાઉનને સહકાર આપવાની ઈચ્છા દર્શાવી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાવાના બોડકા ગાંમના જમનભાઈ કલ્યાણજીભાઈ ચાવડા કડિયા કુંભાર જેઓ ખેત મજૂરી કરી, જાત મહેનતથી કમાયેલા રૂપિયામાંથી રૂપીયા બે લાખ પોતાની બહેનની દીકરી ભાણેજના લગ્ન પ્રસંગ માટે આપેલ હતા. પરંતુ, હાલ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને કારણે થયેલ લોક ડાઉનને લીધે તેમના બહેનએ આ લગ્ન મોકુફ રાખેલ અને તેમના ભાઈ જમનભાઈ ચાવડાને આ રકમ પરત લઈ જવા જણાવતા જમનભાઈ ચાવડા તેમની મેંદરડા ખાતે રહેતી બહેનના ઘરેથી આ બે લાખ રૂપિયા સ્ટીલની બરણીમાં રાખી પોતાની મોટરસાયકલ લઇ પોતાના ઘરે જાવા માટે નીકળેલ હતા. રસ્તામાં તેઓ મેંદરડા નાજપુર રોડ ઉપર શાકભાજીની ટ્રોલી ઉપરથી શાકભાજી લેતા હતા, તે દરમ્યાન પૈસા ભરેલી બરણી ટ્રોલીમાં રાખેલ હોય જે પોતે ભૂલી ગયેલા અને પોતાના ગામ જવા નીકળી ગયેલ હતાં અને રસ્તામાં પોતાને યાદ આવતા પરત શાકભાજીની ટ્રોલીની જગ્યાએ આવતા આ ટ્રોલી ત્યાંથી જતી રહેલ જેથી, જમનભાઈ ચાવડા બેબાકળા બની ગયેલ અને પોતે આ બાબતે મેંદરડા પોલીસનો સંપર્ક કારેલ હતો. તેઓએ મેંદરડા પોલીસ સ્ટેશન આવી, પીએસઆઈ એ.બી.દેસાઈને પોતાની તકલીફની વાત કરી અને પીએસઆઇ એ.બી.દેસાઈ તરત જ પરિસ્થિતિ પામી ગયા અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેઓ તથા સ્ટાફના પો કોન્સ. કિરણ કરમટા, પો.કોન્સ ગોવિંદભાઇ બારડ, સહિતની ટીમના માણસો તુરતજ મેંદરડા ઘટના સ્થળે પહોંચી, તપાસ કરી આજુબાજુમાં સીસીટીવી જોતા આ શાકભાજીની ટ્રોલીવાળા માણસના ઘરે જઇ તપાસ કરતા આ પૈસા ભરેલ બરણી શાકભાજી ભરેલ ટ્રોલીમાંથી મળી આવતા જેમાં જમનભાઈએ રાખેલ પોતાના પૈસા રોકડા રૂપિયા બે લાખ ભરેલ બરણી મળી આવતા ખોવાયેલ બે લાખ રૂપિયા ભરેલ બરણી આ જમનભાઈ ચાવડાને સુપ્રત કરેલ છે. મેંદરડા પોલીસની આ કાર્યવાહીથી જમનભાઈ ચાવડા લાગણીથી ગદગદ થઈ ગયા હતા અને જૂનાગઢ પોલીસ દ્વારા હાલના કોરોના વાયરસ અંગેના લોક ડાઉન બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની મિનિટોમાં પોતાના બે લાખ રૂપિયા જેવી માતબર રકમ શોધી કાઢતા મેંદરડા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.