રાજય સરકારની સુચના મુજબ ગઈકાલથી ગીર સોમનાથ જીલ્લામાં એન.એફ.એસ. રાશન કાર્ડ ધરાવતા ૬.૮૧ લાખ લોકોને એપ્રીલ માસનું અનાજ વિના મુલ્યે વિતરણ શરૂ થયું હતું. ગઈકાલે વ્હેલી સવારથી જ ગીર સોમનાથ જીલ્લા મથકની અનેક સસ્તા અનાજ કરીયાણાની દુકાનોની બહાર અનાજ લેવા લોકોને લાંબી લાઇનો લાગેલ જોવા મળતી હતી. તો બીજી તરફ એન.એફ.એસ. રાશન કાર્ડ ઘારકોને જ અનાજ આપવાની સરકારની સુચના હોવાથી અમુક દુકાનોની બહાર લાઇનમાં અન્ય રાશનકાર્ડ ધરાવતા લોકો પણ ઉભા રહી ગયેલ હતા. જયારે તેઓનો વારો આવેલ ત્યારે દુકાનદારે અનાજ આપવાની ના પાડતા અમુક સ્થળે લોકોમાં ઉગ્ર રોષ વ્યાપેલ હતો. આ ભેદભવાને લઇ અમુક મહિલાઓ મામલતદાર કચેરીએ દોડી જઇ રજુઆત કરેલ હતી પરંતુ તેઓને ત્યાંથી હતાશા મળી હતી. આમ વિના મુલ્યે અનાજ વિતરણના પ્રથમ દિવસે ગીર સોમનાથ જીલ્લામાં ઘણા જરૂરીયાતમંદ લોકોને અનાજ મળેલ તો અમુક એન.એફ.એસ. રેશન કાર્ડ ન ધરાવતા લોકોને અનાજ ન મળતા તેવા કાર્ડઘારક જરૂરીયાતમંદ લોકોમાં તંત્ર અને સરકાર સામે રોષ પ્રર્વતેલ જોવા મળતો હતો. જો કે આ બાબતે અધિકારીઓ પણ હાથ ઉંચા કરી દેતા હોવાથી લોકોમાં ભારે રોષ પ્રસર્યો હતો. આ તકે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે જણાવેલ કે ગીર સોમનાથ જીલ્લામાં પર્યાત માત્રામાં અનાજનો જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈપણ લાભાર્થી અનાજથી વંચિત નહીં રહે જેથી લાભાર્થી વચ્ચે અંતર રાખીને અનાજ મેળવવા લોકોને અપીલ કરી હતી.