જાહેરનામાની જાણકારી આપવા જૂનાગઢ પોલીસની આગવી વ્યવસ્થા

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત લોકોને ઘરની બહાર નીકળતા અટકાવવા માટે લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં નાગરિકોને લોકડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં અમુક નાગરીકો શેરી, મહોલ્લા વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં હોવાની અને લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા તેવા લોકોને પકડી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. સાથેસાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સાથે ડીવાયએસપી કચેરીના હે.કો. દેવાભાઈ ભીટ દ્વારા લોકોને સાવચેત રાખવા માટે પોલીસ વાનમાં રાખેલ માઇક સિસ્ટમમાંથી સમગ્ર જૂનાગઢ શહેરમાં લોકોને સંભાળાય શકે તે રીતે અલગ જ અંદાજમાં કલેક્ટરશ્રીના જાહેરનામા અંગે જાણકારી આપવામાં આવે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવી જુદા જુદા વિસ્તારમાં લોકોને વારંવાર સાવચેત રહેવા જાણ કરવાની અલગ વ્યવસ્થા હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વારંવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં તેમજ લોકોના સ્વાસ્થ્યનાં ફાયદા માટે ઘરમાં રહેવા અવાર નવાર જાહેરાત કરવામાં આવેલ હોવા છતાં અમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી કોરોના વાયરસનાં ફેલાવા બાબતને હળવાશથી લેતા હોય જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે જાગૃત કરવા માઇક દ્વારા જાહેરાત કરવા શરૂ કરવામાં આવેલ છે. હેડકોન્સ્ટેબલ દેવાભાઈ જૂનાગઢ શહેર વિસ્તારની જે જે સોસાયટીમાં જાહેરાત કરવા જાય છે ત્યાં લોકો તરફથી પૂરો આવકાર પણ મળે છે. પોલીસ વાનમાં જાહેરાત કરતા દેવાભાઈનો દબદબો એટલો બધો છે કે અમુક સોસાયટી તથા એપાર્ટમેન્ટમાંથી દેવાભાઈને પોતાની સોસાયટીમાં જાહેરાત કરવા લોકો આમંત્રણ આપવા આવવા લાગ્યા છે. દેવાભાઈ પણ દરેક સોસાયટીમાં અવિરત થાક્યા વગર વારંવાર સતત જાહેરાત કરતા રહે છે. જાહેરાત પુરી થયા બાદ દેવાભાઈ લાક્ષણિક અદામાં કાયદાનું પાલન કરવા બદલ જૂનાગઢ પોલીસ તરફથી લોકોનો આભાર પણ માનતા હોય લોકો દેવાભાઈને ચિચિયારીઓ તથા તાળીઓ પાડીને વધાવે છે. દેવાભાઈ પણ પોતાની જાહેરાતના કારણે જૂનાગઢના શેરી, મહોલ્લા, ચોકમાં અમુક લોકો ઘરમાં રહે તો અને કલેક્ટરશ્રીના જાહેરનામાનું પાલન કરીને પોતાના ઘરમાં રહેશે તો પોતાની ફરજ સાર્થક ગણાશે એવુ માને છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

error: Content is protected !!