રાખેજના ખેડુત પરીવારના ત્રણ સગીર સંતાનોને હરીયાણાનો શખ્સ હારવેસ્ટ મશીનની ટેંકમાં છુપાવી અપહરણ કરી જતા ચકચાર

0

ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડાના રાખેજ ગામના ખેડુત પરીવારની સગીર વયની બે દિકરીઓ અને એક દિકરાનું ઘઉં લણવા આવેલ હરીયાણાનો શખ્સ અપહરણ કરી ગયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. જો કે, ગઈકાલે ત્રણેય સગીર બાળકો સાથે અપહરણકર્તા શખ્સ આણંદ જીલ્લાના લીંબાસી તાબાના માલાવાડા પાસેથી આણંદ પોલીસના હાથે ઝડપાયા ગયેલ હોવાથી વેરાવળની પોલીસ કબ્જો લેવા રવાના થઇ છે. આ ઘટના અંગે સુત્રાપાડા પોલીસમાં હરીયાણાના શખ્સ સામે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે રહેતા ખેડુત દેવદાસભાઇ જેમલભાઇ નકુમ તેમના પત્ની અને બે સગીર દિકરીઓ સાથે મકાનના ધાબા ઉપર જયારે નીચે રૂમમાં તેમની માતા સાથે સગીર દિકરો બે દિવસ પૂર્વે તા.૧૧ ના રોજ રાત્રીના સુતા હતા. બીજા દિવસે સવારે છ વાગ્યે દેવદાસભાઇ નકુમની પત્ની વ્હેલી ઉઠીને જોતા તેમના ત્રણેય સંતાનો ઘરમાં ન હોવાથી પરીવારજનોને જણાવતા સૌ કોઇએ શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન જાણવા મળેલ કે બાજુના ગોહિલની ખાણ ગામે છેલ્લા આઠેક વર્ષથી દેવદાસભાઇ નકુમના ખેડુતના પીતરાઇ ભાઇને ત્યાં ઘઉંની સીઝનમાં હારવેસ્ટ મશીન લઇ આવતો હરીયાણાનો ડેરી ઉર્ફે દલેરસીંગ બિંદરસીંગ (રહે.મલીકપુર, તા.ગંરોડા, જી.કરનાલ) વાળો એકાએક તા.૧૧ ના રોજ હરીયાણા જવા નિકળી ગયેલ છે. દલેરસિંગ ઘણા સમયથી ખેડુત દેવદાસભાઇ નકુમના મકાનની બાજુમાં હારવેસ્ટ મશીન રાખતો હોવાથી અવાર-નવાર તેમના ઘરે આવતો હોવાથી તે ત્રણેય સંતાનોને લાલચ આપી લઇ ગયો હોવાની શંકા ખેડુત દેવદાસભાઇ નકુમે પોલીસ સમક્ષ વ્યકત કરી હતી. ઉપરોકત વિગતના આઘારે સુત્રાપાડા પોલીસે આરોપીનું લોકેશન મેળવવા સર્વેલન્સની મદદ લઇ શોધખોળ હાથ ધરતા દલેરસિંગનું લોકેશન આણંદ જીલ્લામાં મળેલ હતું. જેના આધારે ગઈકાલે આણંદના લીંબાસી તાબાના માલાવાડામાંથી ચોજીત્રા પોલીસ સ્ટાફે દલેરસિંગને ત્રણેય સગીર સંતાનો સાથે ઝડપી પાડયો હતો. આરોપી દલેરસિંગએ ત્રણેય સગીર પૈકી સૌથી મોટી સગીર વયની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવા તૈયારી કરી સાથે તેના સગીર ભાઇ-બહેનનું પણ અપહરણ કરી લઇ ગયો હતો. દલેરસિંગે ત્રણેય સગીર બાળકોને પોતાના હારવેસ્ટ મશીનની ટેન્કમાં સંતાડીને લઈ જતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. આણંદ પોલીસ પાસેથી સગીર ત્રણેય બાળકો અને આરોપીનો કબ્જો લેવા સુત્રાપાડા પોલીસ રવાના થઇ હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!