વિશ્વ વ્યાપી કોરોના વાયરસ મહામારીનાં જંગમાં જનતા સેવામાં સમગ્ર ગુજરાત પોલીસ હાર્યા કે થાકયા વગર લોકડાઉન અમલમાં જંગે ચડયું છે. ત્યારે સોમનાથ મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.આઈ. પરમારનાં માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધ કલોક હાઈવે તાલાલા બાયપાસ ચોકડી ખાતે ફરજ બજાવી રહેલ છે. મહિલા પીએસઆઈ પી.વી.સાંખટ કહે છે કે તમે લોકો તમારા બાળકો સાથે આવા કપરા સમયમાં રહી શકો છો ત્યારે અમે શહેરને કોરોનાથી બચાવવા આપના રક્ષણ માટે દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છીએ.
અમારી માત્ર એક જ અપીલ છે કે ઘરમાં રહો અને સ્વસ્થ્ય રહો. અમને પણ અમારા સંતાનોનાં ફોન આવતા રહે છે. પરંતુ તે વાત્સલ્ય ત્યજી રાષ્ટ્રીય ફરજને અગ્રતા આપીએ છીએ. વાતચીત ચાલી જ રહી હતી ત્યાં તેમનાં ત્રણ વર્ષનાં પુત્ર પ્રતિકનો ફોન આવ્યો કે માં નળ આવી ગયા છે માં નળ હવે જશે જલ્દી આવીજા માં કયારે આવીશ ત્યારે કઠણ કલેજે માનું વાતસ્લય ભૂલી તેને જવાબ આપ્યો કે બેટા હું મોડી આવીશ, તારે સારૂ રમકડા લેતી આવીશ. આમ સમગ્ર પોલીસ દળ આ રાષ્ટ્રીય સંકટમાં ખડેપગે છે ત્યારે નાગરિકો અમને સહકાર આપે અને ઘરમાં જ રહે તે નાગરીક સેવા છે. નોકરીને કારણે અમારે વાહન ચેકીંગ અનેક લોકો સાથે પુછપરછ-સંપર્ક કરવાનો હોય છે. ત્યારે ફરજ પૂર્ણ થઈ ઘરે જઈએ છીએ ત્યારે બાળક દોડતુ દોડતુ ગળે લાગવા દોડે છે પરંતુ અમો નાહી-ધોહી સ્વચ્છ અને સેનેટરાઈઝડ બની પછી જ પરિવાર સાથે રોજીંદા રીતે જોડાઈ છીએ.