ચીનમાંથી શરૂ થયેલી કોરોના ભૂતાવળને કાબુમાં લાવવામાટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલા લોકડાઉનથી તમામ વર્ગની રોજિંદી આવક અને આર્થિક રીતે મોટી નુકસાની સામે આવી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિર્દેશના પગલે સમગ્ર રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા આગામી નવા સત્રમાં કોઈપણ જાતનો ફી વધારો ન કરવા અને વાલીઓને જરૂર હોય તો એકસાથે નહીં પણ માસિક હપ્તે ફી ભરવાની સવલત આપવાનો નિર્ણય કરીને વાલી સમાજને જે રાહત આપી છે તેને જૂનાગઢ જિલ્લા વાલી મંડળ દ્વારા ભારે આવકાર સાથે વધાવવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા વાલી મંડળના પ્રમુખ શૈલેષ પારેખે સરકાર અને શાળા સંચાલક મંડળના આ નિર્ણયને આવકારીને જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં લગભગ તમામ વર્ગના લોકો વ્યવસાયકારો અને આમ આદમીની આર્થિક પરિસ્થિતિ ચિંતાજનક છે ત્યારે સરકાર દ્વારા ફી વધારો મુલત્વી રાખવાના નિર્ણય અને આ નિર્ણયનો સંચાલકો દ્વારા અમલમાં લાવવાની હિમાયત વાલીઓ માટે ખરેખર રાહત બની રહેશે જૂનાગઢના કેળવણીકાર સરસ્વતી સ્કૂલના સંચાલક પ્રદિપભાઇ ખીમાણી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ જી,પી કાઠી અને આલ્ફા હાઇસ્કૂલના સંચાલક, નોબલ હાઈસ્કૂલના કેડી પંડયા સહિતના કેળવણીકારોએ જૂનાગઢ જિલ્લામાં સરકારના આ પરિપત્ર મુજબ ફી વધારો ન કરવાનું નિર્ણયનો સ્વીકાર કર્યો છે તેને જિલ્લા વાલી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પારેખે આવકારીને આ નિર્ણયને પ્રજા હિતનો ગણાવ્યો છે.