જૂનાગઢ કો.કો.બેન્ક દ્વારા તંત્રને સેનિટાઈઝેશન ટનલ ડોનેટ કરાશે

0

વિશ્વભરમાં તિવ્રવેગે ફેલાઈ રહેલા કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો રોકવાનાં આગમચેતીનાં પગલા સ્વરૂપે રાજય સરકારનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા લેવાઈ રહેલા કાબીલે દાદ પગલાઓનાં સમર્થનમાં જૂનાગઢની કોમર્શિયલ કો.ઓપરેટીવ બેન્ક દ્વારા આગવી પહલે કરવામાં આવી હતી. જૂનાગઢની ઝીરો એનપીએ બેન્ક તરીકે પ્રસ્થાપિત થયેલી અને ગ્રાહકોનાં વિશ્વાસમાં હંમેશા અગ્રેસર રહેતી કો.કો.બેન્કે જૂનાગઢમાં જયારે કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ નથી તેને બરકરાર રાખવા એક ખાસ પ્રકારનાં સેનિટાઈઝેશન ટનલ તૈયાર કરાઈ છે. જેમાંથી પસાર થયેલ વ્યકિતનાં આખા શરીર ઉપર સેનિટાઇઝેશન લીકવીડનો છંટકાવ થાય છે અને તે વ્યકિત સેનેટાઇઝ થઈને બહાર નીકળે છે. હાલમાં જૂનાગઢમાં માત્ર હાથ મોજા, માસ્ક પહેરીને કે હાથમાં સેનેટાઈઝેશન લીકવીડ દ્વારા જ કોરોનાથી બચાવાનાં પ્રયાસ રૂપે વપરાશમાં લેવાઈ રહ્યા છે. જયારે કો.કો.બેન્ક દ્વારા ખાસ તૈયાર કરાવાયેલી સેનેટાઈઝેશન ટનલ કોઈપણ સંસ્થા, ઓફિસ, બેંક સહિતનાં પ્રવેશદ્વારે મુકવામાં આવે તો આવનારા પ્રવેશાર્થીઓ આ બોકસમાંથી પસાર થતા જ સેનેટાઇઝ થઈ જાય છે અને જા કોરોનાનાં વાયરસ તેમના કપડા ઉપર લાગેલા હોય તો તે પણ નાબુદ થઈ શકે છે. બેન્કનાં અગ્રણી વ્યવસ્થાપક ડોલરભાઈ કોટેચા તથા તેમના ડિરેકટરઓએ રાજયનાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી પારઘી, એસ.પી. સોરભ સિંઘ તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સુમેરાને આ સેનેટાઈઝેશન બોકસની રૂબરૂ મુલાકાત કરાવીને જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા જાઈતા પ્રમાણમાં બનાવી આપીને ઈન્સ્ટોલ કરી આપવાની સખાવતની પહેલ કરી હતી. આ તકે અધિકારી, પદાધિકારીઓ ઉપરાંત જૂનાગઢ પૂર્વ નગરપાલિકાનાં પ્રમુખ ગીરીશભાઈ કોટેચા, મનપાનાં ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડિંગ કમીટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા ઉપરાંત બેન્કનાં ડિરેકટરઓ આશિષભાઈ પારેખ, રાજુભાઈ જાબનપુત્રા, મેનેજર રાજેશભાઈ મારડીયા તથા આ સેનેટાઈઝેશન બોકસ બનાવનાર બે યુવાન ઉદ્યોગ સાહસિકો ગોંડલનાં મીરભાઈ અને ધર્મેશભાઈ પુજારી સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.