માંગરોળમાં શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળની ભોજનયજ્ઞ દ્વારા માનવીય સેવા

માંગરોળ શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળ દ્વારા કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વગર ભોજનયજ્ઞ ચલાવી દરરોજ ૧૧૦૦ જેટલા જરૂરતમંદ લોકોની પેટની ભૂખ ઠારે છે.૨૨ માર્ચ જનતા કર્ફયુના દિવસથી જ શેઠ ફળીયાના આ મુસ્લિમ યુવાનોએ જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા શરૂ કરી હતી. લોકડાઉનની શરૂઆતના દિવસોમાં ત્રણ સો ચારસો જેટલા લોકો ને ભોજન પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ રોજેરોજ બનાવેલું ભોજન ઘટવા લાગતા આ યુવાનો એ એક સર્વે શરૂ કર્યો તો ખબર પડી કે માંગરોળ વિસ્તારના લોકોને જમવાની શુ હાલત છે. રોજે રોજનું કરી ખાનારા અનેક લોકો ભુખ્યા રહે તેમ છે એ બાબત જ્યારે સામે આવી તો તેઓ ફફડી ઉઠયા હતા. કોરોનાની વૈશ્વિક મહામારીથી પીડિત જનજીવનને માત્ર ‘ભોજન’ની જરૂર છે ત્યારે આ તમામ યુવાનો એ ઉપરવાળા પર ભરોસો કરી સંકલ્પ કરી લીધો કે આજથી અમારી પડોશમાં ‘કોઈ ભૂખ્યું ના સુવે’. આવા દ્રઢ સંકલ્પ સાથે તેઓ તમામ ભેદભાવ ભૂલી ફક્ત માનવજાતની સેવા કરવા નિકળી પડ્‌યા. આજે આ શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળના ભોજન યજ્ઞમાં દરરોજ ૧૧૦૦ માણસોનું જમવાનું તૈયાર થાય છે. ભોજનયજ્ઞમાં વેજ બિરયાની, મસુરબટેટાં બિરયાની, ઈંડાં પૂલાવ, શાકભાજીની અખની, ચીકન બિરયાની એમ દરરોજ અલગ અલગ આઈટમો બને છે. આ ભોજન તૈયાર કરવામાં દરરોજ સવારથી જ શાલીમાર રેસ્ટોરન્ટ ના માલિક સિદ્દીકભાઈ જેઠવા, અફઝલભાઈ જેઠવા અને હોટલનો આખો સ્ટાફ ભગીરથ કામગીરીમાં લાગી માનવીય સેવા કરી રહ્યા છે. તદ્‌ઉપરાંત સાંજના સમયે અબ્દુલભાઈ મહીડા, કાદરભાઈ જેઠવા, યુનુસભાઈ જેઠવા સહીત ના શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંઽળ ના ૨૫ જેટલા યુવાનો મળીને ભોજનના પાર્સલો તૈયાર કરે છે. માગરોળના બાયપાસ વિસ્તાર, કામનાથ રોડ ઉપર ઝૂંપડપટ્ટી મા વસતા હીન્દુ મુસ્લીમના તમામ ગરીબ લોકો, શાપૂર રોડ ઉપર રહેતા દેવીપૂજકો, સરદારજી લોકો આ ઉપરાંત મિલ્લતનગર, મિઠીવાવ, બંદરઝાંપા, પીર મુસા વિસ્તારમાં પણ અનેક જરૂરતમંદ લોકોને દરરોજ સાંજના જમવાનું પહોંચાડવા આ યુવાનો નિકળી પડે છે. ઘણાં પરિવાર હાથ લાંબો નહી કરે એવો સ્વમાની છે . તેમને પણ ચુપકીદીથી ભોજન પહોંચાડે છે. આ યુવાનો અત્યારે ગરીબો માટે મસીહા સાબિત થઈ રહ્યા છે. તદ્‌ઉપરાંત લોકડાઉનના પગલે આખો દિવસ ખડે પગે ઉભેલા પોલીસ જવાનો માટે પણ આ યુવાનો દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. યુવાનોની આ કામગીરી થી પ્રેરિત થઈ કેટલાક સખી દાતાઓ પણ આ ભોજન યજ્ઞમાં રાશનનો માલ આપી જાય છે. જેનાથી યુવાનો જુસ્સો વધ્યો છે. જમીયત ઉલ્માએ હીન્દ જૂનાગઢ જિલ્લાના સેક્રેટરી અ.રજાક ગોસલીયા એ આ ભોજનયજ્ઞની મુલાકાત લઈ યુવાનો ની કામગીરી બિરદાવી તેમની આ માનવીય સેવાનો રીપોર્ટ દિલ્હી જમીયત ઉલ્માએ હીન્દને રવાના કર્યો છે. આ બાબતે શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળના અબ્દુલભાઈ મહીડા (ફોદલા) સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે કોઈ ધર્મ કે જાતને જોતા નથી અમે ફક્ત એટલું જોઈએ છીએ કે ક્યુ માણસ ભૂખ્યું છે. અમને સખી દાતાઓ પણ સાથ આપે છે આ સાથે માંગરોળ પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા પણ અમને પૂરેપૂરો સહકાર મળે છે અમારા વેલીનટરો ને ક્યાંય અટકાવવામાં આવતા નથી. આજે પણ કેટલાક તકસાધુઓ ધર્મ ની રાજનીતિ કરવામાંથી બહાર આવ્યા નથી. કોરોના જેવી વૈશ્વિક બિમારી ને પણ એક વિશેષ ધર્મ સાથે જોડી નફરત ફેલાવવામાં આવી રહી છે ત્યારે આ યુવાનો એવું કહે છે કે આવી મહામારીના સમયમાં તમામ ધર્મના ભેદભાવ ભૂલીને આવો એકબીજાના ખંભેથી ખંભા મિલાવી માનવતાનો ધર્મ નિભાવીએ.

error: Content is protected !!