૩ મે સુધી વધુ ૧૯ દિવસ લોકડાઉન વધ્યું

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છેલ્લા ર૧ દિવસમાં ચોથી વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહયું કે, કોરોના વિરૂધ્ધ ભારતની લડાઈ બહુ મજબુતી સાથે આગળ વધી રહી છે. વડાપ્રધાને કહયું કે, હું જાણું છું કે, દેશમાં લોકડાઉનથી લોકોને ઘણી તકલીફો આવી છે. પરંતુ ભારત મજબુતીથી કોરોના સામે લડી રહયું છે. હું તમામ દેશવાસીઓને નમન કરૂ છું. દેશની જનતાએ કષ્ટ સહન કરીને પણ દેશને બચાવ્યો છે. તેમણે ઉમેર્યુ કે, દેશમાં સામુહિક શકિતનું પ્રદર્શન એ ડો. બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી છે. આજે ૧૪ એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. હાલમાં દેશમાં અલગ અલગ તહેવારોનો સમય છે છતાં લોકો સાદગીથી તહેવારો ઉજવી રહયા છે તે ખૂબજ પ્રસંશનીય અને પ્રેરણારૂપ છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોના વૈશ્વિક મહામારી બની ગયું છે. આપણે તેનાથી સારી રીતે વાકેફ છીએ પરંતુ અન્ય દેશોની સરખામણીએ આપણે કોરોનાનાં સંક્રમણને નોંધપાત્ર હદ સુધી અટકાવવામાં સફળ રહયા છીએ તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. તેમણે કહયું કે જયારે ભારતમાં એકપણ પોઝીટીવ કેસ ન હતો ત્યારથી દેશનાં એરપોર્ટ ઉપર સ્ક્રીનીંગ થઈ રહયું છે. આ એક એવું સંકટ છે જેની તુલના અન્ય દેશો સાથે કરવી યોગ્ય નથી પરંતુ એ પણ સત્ય છે કે, અન્ય દેશો સાથે કોરોનાનાં આંકડાની સરખામણી કરીએ તો સ્પષ્ટ જણાય આવે છે કે, ભારત ખૂબજ સંભાળપૂર્વકની સ્થિતીમાં છે. વિશ્વનાં અન્ય દેશોમાં કોરોનાનાં કેસો રપ -૩૦ ગણા વધી ગયા છે. હજારો લોકોનાં મૃત્યુ થયા છે પરંતુ ભારતમાં સ્થિતી ખૂબજ નિયંત્રીત છે.  આપણે લોકડાઉન જેવા પગલા ન ભરતા તો આપણી સ્થિતી શું હોત ? મહીના પહેલા અન્ય દેશો કોરોના મામલે ભારતની બરાબર ઉભા હતા પરંતુ આજે ત્યાં રપ થી ૩૦ ગણા કેસો વધી ગયા છે. જા આપણે સમયપર યોગ્ય કાર્યવાહી ન કરી હોત તો શું પરીણામ આવત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દેશની રાજય સરકારોએ અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓએ પણ ખૂબજ જવાબદારી પૂર્વક કાર્યવાહી કરી છે. સોશિયલ ડીસ્ટન્સીંગ અને લોકડાઉનનો ખૂબજ ફાયદો થયો છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.
આપણા દેશમાં તમામ લોકોએ ર૪ કલાક પોતાની જવાબદારી નિભાવી છે નાગરીકો તથા રાજયો તરફથી એવા સતત સૂચનો આવી રહયા છે કે, લોકડાઉન વધારવામાં આવે. તેમણે કહયું કે, આ તમામ સુચનોને ધ્યાનમાં રાખતા ભારતમાં લોકડાઉન તા. ૩ મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, મારી દેશવાસીઓને વિનંતી છે કે, કોરોનાને કોઈપણ સંજાગોમાં દેશનાં કોઈપણ વધુ એક ભાગમાં ફેલાવતો અટકાવવાનો છે. ઘરમાં જ રહેવાનું છે અને સોશિયલ ડીસ્ટન્સીંગનું કડક પાલન કરવાનું છે. હવે આપણે પહેલાથી પણ વધારે ખૂબજ વધારે સતર્કતા રાખવાની છે. કડક પગલા ઉઠાવવા પડશે, નવા હોટસ્પોટ બનવા જાઈએ નહી. નવા હોટસ્પોટ બનવાની બાબત આપણા કઠોર પરીશ્રમને પડકાર આપશે. તેમણે કહયું કે હજુ વધુ કડક પગલા ભરવામાં આવશે. તા. ર૦ એપ્રિલ સુધી દરેક વિસ્તાર, દરેક શહેર, દરેક રાજયને ખૂબજ બારીકાઈથી જાવામાં આવશે. જે વિસ્તારો પોતાને ત્યાં નવા હોટસ્પોટ બનવા નહી દે માત્ર ત્યાં જ તા. ર૦ એપ્રિલ બાદ જરૂરી ગતિવિધિઓ માટે મર્યાદીત છૂટ આપવામાં આવશે. લોકડાઉનનો નિયમ તુટે છે અને કોરોનાનો ફેલાવો આપણા વિસ્તારમાં આવે છે તો આ તમામ છૂટછાટ વિના વિલંબે પાછી ખેંચી લેવામાં આવશે. વડાપ્રધાને કહયું કે, આવતીકાલે કેન્દ્ર સરકાર તરફથી આ બાબતે નિશ્ચિત ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. હોટસ્પોટ ઓછા થયા તો તા. ર૦ એપ્રિલથી જરૂરી કામ શરૂ કરવામાં આવશે. કામ શરૂ થવાથી હોટસ્પોટ વધ્યા તો કામ તુરંત બંધ કરવામાં આવશે. વડાપ્રધાને કહયું કે, મારી સર્વોચ્ચ ત્રણ પ્રાથમીકતાઓ છે. ગરીબોની મુશ્કેલીઓ જાઈને કેટલીક છૂટછાટ આપી રહયા છે. નવી ગાઈડલાઈન બનાવતી વખતે ગરીબોને ધ્યાનમાં રાખીશું, ઘરની બહાર નીકળવાનાં નિયમો બહુ સખ્ત હશે તેમણે દેશના વૈજ્ઞાનિક યુવાનોને આહવાન કરતા કહયું કે, કોરોનાને પરાસ્ત કરવા વેકસીન રસીની શોધ કરવામાં લાગી જાય. તેમણે વધુમાં કહયું કે, ૭ બાબતોમાં હું તમારો સહકાર માંગુ છું. જયાં રહો ત્યાં સુરક્ષિત રહો અને નિર્દેશોનું પાલન કરો તેમ કહીને વડાપ્રધાને તેમનું રાષ્ટ્રવ્યાપી સંબોધન સમાપ્ત કર્યુ હતું.

error: Content is protected !!