વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસના કારણે માસ્ક બનાવી રાષ્ટ્રીય, સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવતા જૂનાગઢ જિલ્લાના મિશન મંગલમ યોજનાના સખી મંડળો દ્વારા માસ્ક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહેલ છે. ગ્રામીણ વિસ્તારની સખી મંડળની બહેનો દ્વારા અત્યાર સુધીમાં ૩૨૦૦૦ જેટલા માસ્ક બનાવી જુદા જુદા વિભાગોમાં વેચાણ વિતરણ કરવામાં આવેલ છે. આ કામગીરીને વધુ વેગ આપી માસ્કનું વધારે સંખ્યામાં ઉત્પાદનની કામગીરી થાય તે માટે સઘન આયોજન જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી સૂચનાથી તથા આર.જે.જાડેજા નિયામક- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- જૂનાગઢના માર્ગદર્શન હેઠળ મિશન મંગલમ યોજના દ્વારા કરવામાં આવી રહ્યું છે. માસ્કની ખરીદી કરવા ઇચ્છતી સ્વૈચ્છિક સંસ્થાઓ, હોસ્પિટલો, ટ્રસ્ટો કે વ્યક્તિગત ધોરણે જથ્થાબંધ નકકી કરાયેલ મૂલ્યથી માસ્ક મેળવવા જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા લાઈવલીહુડ મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે તેવું નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.