રાજકોટથી ઉના ખાતે ભાઈના લગ્ન પ્રસંગે જનાર રાજકોટની મહિલા તેમની બે પુત્રીઓ સાથે લોકડાઉનમાં ફસાઈ જઈને ઉનાથી પરત પુર્નઃ રાજકોટ આવી શકતા ન હોય અને તેમના પતિ રાજકોટથી ઉના જઈ શકતા ન હોવાની વાતથી મિસ્ત્રી પરિવારનો નાનકડો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ખાસ તો મિસ્ત્રી યુવાન પોતાની વેદના વ્યક્ત કરે છે કે કાં તેમને ઉના જવા દેવાય અથવા તો ઉના ખાતેથી તેમની પત્ની અને ૨ બાળકીઓને રાજકોટ લાવવા કોઈ સેવાભાવી સંસ્થાઓ મદદ કરે તે જરૂરી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં મવડી વિસ્તારની ગિરનાર સોસાયટી, શેરી નં.૨ માં રહેતા અને મિસ્ત્રી કામની મજૂરી કામ સાથે સંકળાયેલ ભાવેશભાઈ અરજનભાઇ ચુડાસમાના પત્ની પૂજાબેન પોતાના ભાઈ દીપકભાઈ શાંતિલાલ વાજાના તા.૨૫-૩-૨૦ના રોજ નિર્ધારેલા લગ્ન પ્રસંગમાં જવા માટે રાજકોટથી ઉના ગયા હતા.પણ કોરોના વાઇરસને લીધે દેશભરમાં લોકડાઉન અમલી બની જતા પુજાબેનના ભાઈના લગ્ન તો રદ થયા પણ હાલ તે ૮ વર્ષની પુત્રી હીર અને ૩ વર્ષની પુત્રી રિયા સાથે ઉનામાં ભાઈના ઘરે નાછૂટકે રોકાવા ફસાઈ ગયા છે. પુજાબેને ટેલિફોનિક સંપર્ક દરમ્યાન કહ્યું કે તેણીએ ઉનાથી રાજકોટ આવવા બે ત્રણ પ્રયાસ કર્યા હતાં પણ પોલીસે તેમને પાછા ઘરે મોકલી દીધા છે. પુજાબેને ઉમેર્યું કે ઉનામાં બંને દીકરી પપ્પા, પપ્પા કરીને આખો દિવસ રડયા કરતી હોય તેઓ પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજીબાજુ પુજાબેનના પતિ ભાવેશ ચુડાસમા રાજકોટમાં એકલા પડી જતા તે અને તેમનો નાનો ભાઈ પોતાના ગુજરાન માટે ભારે હેરાન પરેશાન થઇ ગયા છે. ભાવેશ ચુડાસમા અને તેમના મિત્ર નીલકંઠ મનહરલાલ જોશીએ વધુ વિગતો આપી કે, ભાવેશને માત્રને માત્ર ટબુકડી દીકરીઓની યાદ કોરી ખાય છે. આશરે ત્રીસેક દિવસથી વધુના સમયથી ઉનામાં ફસાયેલ પત્ની-બાળકો પાસે જવા તે સતત ઝંખે છે. પણ ક્યાંય તંત્ર કોઈ સહકાર આપતું નથી. સૌથી વધુ દુઃખની વાત ભાવેશ ચુડાસમાએ કરી કે તેમના સાસુની તબિયત નરમ ગરમ રહેતી હોવાથી સમસ્યા એ ઉભી થઇ કે, હાલ તેમની પત્ની અને બંને બાળકીને કાકાજી સસરાને ત્યાં રોકાવું પડયું છે. પણ બીજા સગાવહાલાઓ ઉપર શા માટે ખોટેખોટો બોજો વધારવો ? તેવા આશયથી તે તાત્કાલિક ઉનાથી રાજકોટ જવા માંગે છે પુત્રી-બાળકોને રાજકોટ લઇ આવવા માંગે છે. ફિલ્મ બાગબાનમાં સંતાનોએ માતા-પિતાને અલગ કર્યા હતા, અહીં કોરોના-લોકડાઉન જેવા સંજોગોએ મિસ્ત્રી પરિવાને અલગ કરી દીધાની વાતના જાણકારોમાં પણ અચરજ સાથે દુઃખ ફેલાયું છે. કહેવાય છે કે રાજકોટમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે. માત્ર જાણકારીના અભાવે ઘણી સંસ્થાઓ ઘણી વખત સેવા કરવામાં ચુકી જતા હોય છે ત્યારે અખબારી અહેવાલોના માધ્યમથી આ ચુડાસમા(મિસ્ત્રી) પરિવારને એક કરવા કોઈ આગળ આવે તેવું ભાવેશ ચુડાસમા (મો.૯૪૨૭૭ ૨૬૫૨૯) ઈચ્છે છે ત્યારે સમય જ બતાવશે કે મિસ્ત્રી પરિવાનો માળો પાછો આનંદકિલ્લોલ કરતો થશે કે નહિ ?? વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત ભારતમાં લાવવા સહેલું છે જયારે ઉનાથી રાજકોટ જવા મુશ્કેલીરૂપ બન્યું છે.