જૂનાગઢ શહેર અને જીલ્લામાં આરોગ્ય વિષયક પગલાં સઘન લેવામાં આવી રહ્યાં છે અને કોરોનાનાં ગંભીર ખતરા સામે જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રની સાવચેતીનાં કારણે કોરોનાના પગપેસારો અટકાવવામાં ઈશ્વરીય સફળતા મળી છે. ગઈકાલની તારીખે ૮ જેટલા સેમ્પલો મોકલવામાં આવ્યા હતા જે તમામનો રિપોર્ટ નેગેટીવ આવી ગયો છે અને નવા ૯ સેમ્પલો મોકલવામાં આવ્યા છે જેનો આજે રિપોર્ટ આવવાનો બાકી છે. કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ મહામારીને માત આપવા ર૧ દિવસનું લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ખાસ કરીને લોકો લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરે તો જ આ મહામારીથી બચી શકાશે. ગુજરાત રાજયનાં અનેક જીલ્લાઓમાં કોરોના પોઝીટીવ કેસમાં સતત ચિંતાજનક તંત્રની સાવચેતીના પગલે હજુ સુધી કોરોના પગપેસારો કરવામાં સફળ થયો નથી. જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સંયુકત રીતે લોકડાઉનનું કડક રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે જૂનાગઢ જીલ્લો હજુ સુધી કોરોનાથી મુક્ત રહ્યો છે. દરમ્યાન ડીડીઓ પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં અત્યાર સુધી લેવાયેલા તમામ સેમ્પલોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે મંગળવારે ૮ દર્દી સિવીલ હોસ્પિટલમાં દાખલ થયા હતા તે તમામ દર્દીનાં સેમ્પલ લઈ રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા. ૭ મહિનાની બાળકીથી લઈને ૭૪ વર્ષનાં વૃધ્ધ સહિત ૮નાં મોકલાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જયારે બુધવારે નવા ૯ સેમ્પલ મોકલાયા છે. હજુ પણ લોકો ઘરમાં રહે તેમજ બિનજરૂરી રીતે બહાર ન નિકળે ઉપરાંત જે લોકો અગત્યનાં કામ માટે બહાર નિકળે છે. તે લોકો પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે તે મહત્વનું છે. વિશેષમાં ગઈકાલે રાત્રીનાં ૮ વાગ્યા સુધીમાં સિવીલ હોસ્પિટલમાંથી જે સેમ્પલો મોકલવામાં આવ્યા હતા. તેમાં જૂનાગઢ શહેરનાં ૬ તેમજ ધોરાજીનાં ૧, માંગરોળનાં ૧, જૂનાગઢ ગ્રામ્ય ૧નો સમાવેશ થાય છે અને આજ સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે.