જૂનાગઢમાં અનાજ કરીયાણાનાં હોલસેલ વેપારીઓ સવારના ૮ થી બપોરનાં ૧ વાગ્યા સુધી વેંચાણ કરી શકશે

0

ગુજરાત રાજયનાં મોટાભાગના જીલ્લા કોરોનાની મહામારીની લપેટમાં આવી ગયા છે. એટલું જ નહી કમનસીબે આવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો જાવા મળી રહયો છે. આ બિમારીનાં ફેલાવાને રોકવા માટે લોકડાઉનનું એકમાત્ર અમોધ શસ્ત્ર છે. ત્યારે લોકડાઉનનું જેટલું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેટલા કોરોનાના પડછાયાથી દૂર રહી શકીશું. દરમ્યાન ગુજરાત રાજયમાં આંગણીનાં વેઢે ગણાય એટલા જ જીલ્લાઓ કોરોનાના કહેરથી મુકત રહી શકયા છે જેમાં સદનસીબે જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો હજુ સુધી એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. તંત્ર દ્વારા ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ તમામના રીપોર્ટ કરાવવામાં આવી રહયા છે. દરમ્યાન અત્યાર સુધી લેવાયેલ તમામ સેમ્પલોનાં રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે છેલ્લે લેવાયેલા ૯ પૈકી ૭નાં રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને માત્ર ર સેમ્પલ રીપોર્ટ આવવાનાં બાકી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ ગઈકાલે વધુ એક સુધારેલું જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામા મુજબ હવે અનાજ કરીયાણાનાં હોલસેલ વેપારીઓ છુટક વેપારીઓને સવારનાં૮ થી ૧ વાગ્યા સુધી વેંચાણ કરી શકશે. આમ આ સમય મર્યાદામાં ર કલાકનો વધારો કરાયો છે.