ગીર સોમનાથ જીલ્લાની ૮,૮૮૫ પૈકી ૪૩૯ જેટલી ફીશીંગ બોટો જ દરીયો ખેડવા તૈયાર ?

0

ગુજરાત રાજય સરકારે લોકડાઉનમાંથી માછીમારી કરવા જવા માટે મુકતિ આપી છે પરંતુ ગીર સોમનાથ જીલ્લાની નવેક હજારમાંથી માત્ર ૪૩૯ જેટલી જ ફીશીંગ બોટો દરીયો ખેડી માછીમારી કરવા જવા તૈયાર થઇ હોવાનું જાણવા મળેલ છે. તો બીજી તરફ માછીમારોને સબસીડીવાળુ ડીઝલ મળતુ ન હોય અને સરકારમાં ડીઝલ સબસીડીની ૨૫ કરોડ જેવી રકમ જમા હોય જે છુટી ન થઇ હોય જેવા અનેક કારણોના લીધે હાલ માછીમારો તીવ્ર આર્થીક મુશ્કેલીઓનો સામાનો કરી રહયા હોવાથી દરીયો ખેડવા જવું કઠીન પરિસ્થિતિ સમાન હોવાનું માછીમાર યુવાનો જણાવી સરકાર સમક્ષ મદદ માટે પોકાર કરી રહયા છે. કોરોના મહામારીના કારણે ગીર સોમનાથ જીલ્લાનો માછીમાર સમાજ કઠીન પરિસ્થિતિનો સામનો કરી રહયો છે. તાજેતરમાં રાજય સરકારે માછીમારોને માછીમારી કરવા લોકડાઉનમાંથી મુક્તિ આપી છે. પરંતુ હાલ માછીમારો માટે દરીયો ખેડવો કઠીન હોવાની સ્થિતિનો ચિતાર આપતા સ્થામનીક માછીમારો યુવાનો શૈલેષ કુહાડા, ભરત આગીયા, અશ્વિન સુયાણી જણાવે છે કે, કોરોનાએ માછીમારી વ્યવસાયને વ્યાપક નુકસાન કર્યુ છે. પ્રથમ ૨૧ દિવસના લોકડાઉનના કારણે માછીમારોએ ગીર સોમનાથ જીલ્લામાં મોટાભાગની ફિશીંગ બોટો કાંઠે ચડાવી પાર્ક કરી દીધી હોવાથી બંદરોમાં જામની સ્થિતિ સર્જાય છે. ચાલુ વર્ષે માછીમારી સીઝનના પ્રારંભથી એક પછી એક આવેલા ચાર જેટલા વાવોઝાડાના કારણે અડધી સીઝન અગાઉ જ બગડી હોવાથી માછીમારોને અસહય આર્થીક નુકશાની સહન કરવી પડી હતી. જેમાંથી હજુ માછીમારો ઉભર્યા ન હતા ત્યાંક કોરોનાનું લોકડાઉન આવતા માછીમારોની સ્થિતિ પડયા ઉપર પાટુ લાગ્યુ તેવી થઇ ગઇ છે. કારણ કે, માછીમારી કરવા જવા માટેની એક ટ્રીપ પાછળ ડીઝલ, રાશન અને ખલાસીઓનો પગાર મળી રૂ.૩ લાખ જેવો ખર્ચ થાય છે. પરંતુ ચાલુ વર્ષે માછીમારોની માઠી બેઠી હોય તેમ એક પછી એક આવેલી કુદરતી આફતોના કારણે બેહાલ બનેલા બોટ મલીક માછીમારો ઉપર તેમના પરીવાર ઉપરાંત તેમની બોટમાં કામ કરતા ૪૦ થી ૫૦ પરપ્રાંતીય ખલાસીઓના ભરણ પોષણની વિશેષ જવાબદારી આવી પડી છે. જેના કારણે હાલ માછીમારો તીવ્ર આર્થીક કટોકટીનો સામનો કરી રહ્યા હોવાથી મુડી વગર માછીમારી કરવી અશક્ય છે. તો બીજી તરફ સરકારએ આપેલી મંજુરી પછી પણ હાલ બંદરમાં માછીમારોને મળતુ સબસીડીવાળું ડીઝલ હજુ મળી રહયુ નથી. સરકારમાં લાંબા સમયથી માછીમારોની જમા રૂ.૨૫ કરોડ જેવી સબસીડીની રકમ રીલીઝ થઇ નથી સાથે માછીમારો માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત થાય તો જ વર્તમાન સમયમાં માછીમારો દરીયો ખેડી માછીમારી કરી શકશે. આવી અપેક્ષા સંતોષવાની માંગણી માછીમાર સમાજ સરકાર પાસે કરી રહયુ છે. આ અંગે ફિશરીઝ અધિકારી તુષાર પુરોહિતે જણાવેલ કે, રાજય સરકારની જાહેરાત બાદ અત્યાર સુઘીમાં ગીર સોમનાથ જીલ્લાની કુલ ૮,૮૮૫ બોટો પૈકી માત્ર ૪૩૯ જ ફિશીંગ બોટો માછીમારી કરવા જવા માટે તૈયાર થઇ છે. બંદરમાં માછીમારોને સબસીડીવાળુ ડીઝલ મળવામાં અગવડતા પડતી હોવાનો સ્વીકાર કરી તે સમસ્યાના ઉકેલ માટેની કાર્યવાહી ચાલી રહી છે. જયારે માછીમારોની ત્રણેક માસની અંદાજે ૨૨ થી ૨૫ કરોડ જેટલી સબસીડીની રકમ સરકારમાં જમા છે જે રકમની સરકાર ગ્રાંટ ફાળવશે ત્યારે તુરંત ચૂકવી શકાશે.

error: Content is protected !!