ભારત સરકાર તરફથી ૨૪ હજાર કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો

0

ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષ અને દુનિયાનાં દેશોમાં કોરોનાનો ક્રુર પંજા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે કોરોનાનાં સંક્રમણમાંથી લોકોને બચાવવા માટેનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. કોરોનાનાં પોઝીટીવ કેસોમાં દર્દીઓને પરિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. અને જેનાં ભાગરૂપે ટેસ્ટીંગ કીટનો પ્રથમ જથ્થો ગુજરાતમાં આવી પહોંચ્યો છે અને તેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારત સરકાર તરફથી ગુજરાતને ૨૪ હજાર કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો આજે મળી ચૂક્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કીટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી ૨-૩ દિવસમાં પ્રાપ્ત થશે તેમ જાણવા મળે છે. આ રેપિડ ટેસ્ટીંગ કીટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર  ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે.  આ કીટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી ઉપર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે. તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે.