જૂનાગઢનાં સ્વામિનારાયણ સુર્વણ મુખ્યમંદિર દ્વારા જરૂરીયાતમંદોને સહાય

0

જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં આજે જરૂરીયાતમંદ, ગરીબ વર્ગ અને રોજેરોજનું ખાતા પરિવારોને સહાય અને મદદરૂપ થવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ, સેવાકીય મંડળો, ધાર્મિક સંસ્થાઓ સહીત સર્વે સમાજનાં લોકો સેવાની અવિરત કામગીરી ચલાવી રહ્યાં છે અને માનવતાની મહેંક પ્રગટાવવામાં આવી રહી છે અને જરૂરીયાતમંદોને સહાય માટે સતત કામગીરી કરતાં સેવાનાં યોધ્ધાઓને ઘણા જ ધન્યવાદ છે. આજે જયારે માનવતાનો સાદ સર્વત્રથી ઉઠી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલ અને શ્રધ્ધાનાં કેન્દ્ર સમા જવાહરરોડ સ્થિતિ શ્રી સ્વામિનારાયણ સુર્વણ મુખ્યમંદિર પણ કેમ પાછળ રહે ? વેદાંતાચાર્ય શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી મંડળ, સ્વયંમસેવકો, હરીભકતોની સતત જહેમત સાથે સેવાની સરવાણી વહેતી કરવામાં આવી છે.
ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવવામાં આવેલા દેવો જ્યાં બિરાજી રહ્યાં છે અને દર્શને આવનાર ભાવિકોની, હરીભકતોની મનોકામના પૂર્ણ કરે છે એવા જૂનાગઢ શહેરનાં જવાહરરોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મુખ્ય સુર્વણ મંદિર દ્વારા જરૂરીયાતમંદોની વ્હારે આવી અને સેવાયજ્ઞની સરીતા વહેતી કરવામાં આવી છે અને ધર્મની સાથે સેવાની મહેક પ્રસરાવવામાં આવી રહી છે. ભારત અને વિશ્વનાં દેશો ઉપર કોરોનાનાં ગંભીર ખતરો અને આક્રમણનાં સમયે કોરોનાનાં સંક્રમણને ખાસળવા માટે એકમાત્ર ઉપાય તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકડાઉન જારી કરવામાં આવેલ છે. કટોકટીની આપણે સૌ સાથે મળી અને આવી પડેલા પડકારને પહોંચી વળવા તેમજ કફોડી સ્થિતિમાં રહેલા જરૂરીયાતમંદ તેમજ ગરીબ પરીવારોની મદદ કરવી એ આપણા સૌની ફરજ બનેલ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા દેવો હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડરાયજી, ત્રિકમરાયજી, સિધ્ધેશ્વર મહાદેવ, પાર્વતીજી, ગણેશજી, ધનશ્યામ મહારાજ, ગણેશજી, હનુમાનજી મહારાજ, બીરાજી ભકતજનો અને હરીભકતોની મનોકામનાં સિધ્ધ કરે છે. તેવા જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલા ભગવાન સ્વામિનારાયણ સુર્વણ મુખ્યમંદિરનાં ગાદીપતી વેદાંતચાર્ય શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજીનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી મંડળના ચેરમેન હરીભાઈ ભાલોડીયા, નંદલાલભાઈ તેમજ હરીભકતો, સ્વયંસેવકો દ્વારા સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. વડતાલનાં આચાર્ય ધ.ધુ.પ.પુ. શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવી આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જરૂરીયાતમંદોને સહાય માટે મુખ્યમંત્રીશ્રીનાં રાહતફંડમાં રૂ.૧૧ લાખનું અનુદાન આપવામાં આવેલ છે. આ ઉપરાંત કોરોનાનાં સંક્રમણને ખાળવા માટે સાવચેતી અને તકેદારીનાં પગલા માટેની સરકારશ્રીનાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્યમંદિર દ્વારા જરૂરીયાતમંદ લોકો અને ગરીબ પરીવાર માટે જરૂરીયાતમંદ ચીજવસ્તુઓની કીટ તૈયાર કરી અને અઢી ટન જેટલો જીવન જરૂરી ચિજવસ્તુઓનો પુરવઠો આપવામાં આવ્યો હોવાનું વેદાંતાચાર્ય શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજે જણાવ્યું હતું. વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે ગુંદી, ગાંઠીયાનાં ફુડ પેકેટ તૈયાર કરી અને તેનું પણ વિતરણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ૭૦૦ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં જરૂરીયાતમંદ પરિવારોને જરૂરીયાત મુજબની સહાય કરી આપવામાં આવી રહી છે. તેમજ અંબીકાચોક ખાતે ચાલી રહેલા રાહત રસોડામાં ર૦૦ કીલો લોટની સહાય પણ કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ કલેકટરશ્રીની સુચના મુજબ મદદ માટે આવેલા લોકો માટે અહીં ઉતારા ખાતે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હોય છે. હાલનાં સંજાગોમાં શક્ય તેટલી સહાય કરવામાં આવી રહી છે. ટ્રસ્ટી મંડળ તેમજ ઋષિ દર્શન ભગત તથા સ્વયંસેવકો, કર્મચારીઓ દ્વારા સેવાકીય કાર્યોને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી હોવાનું શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજે જણાવ્યું હતું.

error: Content is protected !!