મુસ્લિમ સમુદાયનાં લોકો માટે પુરા વર્ષ દરમ્યાન પવિત્ર અને ઈબાદતો માટે ખુબજ મહત્વપૂર્ણ ગણાતા રમઝાનની શરૂઆત થઈ ગઈ છે. હાલ વિશ્વસ્તરે કોરોનાથી મહામારી સર્જાયેલી છે અને સમગ્ર દેશમાં લોકડાઉન છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં દિવસેને દિવસે અકલ્પનીય આંકડાઓ સામે આવી રહ્યા છે. તેવામાં દરેક ધર્મનાં લોકો બંદગી, પુજાપાઠ વિશેષ પ્રમાણમાં કરી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓએ ઠેર ઠેર અન્નક્ષેત્રો ચાલુ કરી અને સેવાની સુવાસ વર્તાવામાં કોઈ કચાશ રાખી નથી. તંત્રનાં તમામ કર્મચારીઓ રાત-દિવસ એક કરી રહ્યાં છે અને લોકો પણ આ મહામારીથી છુટકારો મેળવવા તંત્રને સાથ આપી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યાં છે. ત્યારે માહે રમઝાનમાં મુસ્લિમ બીરાદરો પુરાદિવસ દરમ્યાન અન્ન તથા પાણીનો ત્યાગ કરી રોઝા (ઉપવાસ) રાખતા હોય છે. આ વર્ષે રમઝાન માસ ઉનાળાની ઋતુ ગરમીમાં આવેલ છે. તેમા પણ માહે રમઝાનમાં ઈબાદતોને લઈ મુસ્લિમ બીરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર દેશમાં હાલ લોકડાઉન છે જેથી મુસ્લિમ સમાજનાં લોકોને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા સાથે માહે રમઝાનની ઈબાદતો ઘરમાં રહીને કરવા મુસ્લિમ એક્તા મંચ ગુજરાતનાં અધ્યક્ષ ઈમ્તીયાઝ પઠાણ દ્વારા અપીલ કરાય છે. સાથે સાથે લોકડાઉનમાં લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી છે. તેવામાં અમુક જરૂરિયાતમંદ લોકોને આર્થિક બાબતોમાં મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે હેતુથી દરેક તબક્કાનાં અગ્રણીઓ દ્વારા કોઈપણ જરૂરિયાતમંદ લોકોને માહે રમઝાનમાં જરૂરી ચીજવસ્તુઓ માટે મુંઝવણ ના અનુભવાય તે માટે યર્થાત મદદ કરવા પણ આહવાન કરાયું છે. કોરોના મહામારી સામેની લડાઈમાં મુસ્લિમ સમાજ શરૂઆતથી જ તંત્રની સાથે ખંભેથી ખંભો મિલાવી સરકારનાં આદેશોનું પાલન કરતો આવ્યો છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે દરેક મસ્જિદોનાં સંચાલકો દ્વારા પોત પોતાનાં વિસ્તારોમાં નમાઝ તથા રોઝા ઈફતાર તેમજ તરાવીહની નમાઝ લોકો પોતાના ઘરે જ અદા કરવા એલાન કરવા તેમજ સાવચેતી અને સંયમ સાથે કોરોના મહામારી સામે જાગૃતતાનાં સંદેશા નો ફેલાવો કરવા મુસ્લિમ એક્તા મંચ ગુજરાતનાં કન્વિનર ઇમ્તિયાઝ પઠાણ અનુરોધ કરાયો છે.