બજારો કયારે ધમધમતી થશે ? આતુરતાભરી મીટ માંડીને બેઠેલા વેપારીઓ

0

તા.ર૪મી માર્ચના મધરાતથી સમગ્ર દેશમાં કોરોના સામેનાં યુધ્ધનાં મંડાણ થયા અને બરાબરની ટક્કર આપવા તેમજ કોરોનાથી જગતને બચાવવાનાં મહાઅભિયાન રૂપી લોકડાઉનનો પ્રારંભ થયો હતો અને આજે એકમાસ પૂર્ણ થયો છે. આ ૩૦ દિવસનાં સમયમાં તમામ પ્રકારનાં વેપાર-ધંધા બંધ છે જા કે આવશ્યક ચીજવસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે આવશ્યક સેવા ચાલુ રખાઈ છે અને બાકી બધુ બંધ છે. કટોકટીથી લઈ કાપડ અને કાચની બંગડીથી લઈ સોનાનાં ઝવેરાત અને સોઈથી લઈ શણગાર સુધીનાં સેંકડો વેપાર ધંધા બંધ છે. રેડીમેઈડ માર્કેટ, કાપડ માર્કેટ, સોની બજાર સહીતની બજારોને પુરેપુરૂં લોકડાઉન લાગી ગયું છે. લગભગ દરેક માર્કેટો દિવાબતી કરવા માટે પણ ખુલ્લી રાખવાની મનાઈ છે. આ તો કેવો સમય આવી ગયો છે કે જેની કયારેય કોઈને કલ્પના પણ આવી નહીં હોય વેપારી પેઢીઓ આજે એક-એક દુકાનો માસથી ખુલ્લી નથી. દુકાનોમાં પડેલો અને વખારમાં પડેલો માલ હજુ અંકબંધ છે. માલની ખરીદી તો થઈ ગઈ છે પરંતુ માલનું વેંચાણ લોકડાઉનને કારણે થઈ શકતુ નથી. જેથી માલ ખરીદનાર વેપારી અને માલ મોકલનાર પેઢી આજે મુંઝવણમાં મુકાયેલી છે. કારણ કે મોટાભાગનાં વેપારીની લેવડદેવડ શાખ ઉપર થતી હોય છે અથવા તો માલ વેંચાણ થયા બાદ ડ્રાફટ, ચેકથી પેમેન્ટ કરી નાખવામાં આવતું હોય છે પરંતુ જ્યાં એક માસથી બધી જ બજારો બંધ છે તેવા સંજાગોમાં નાણાંકીય વ્યવહાર અટકી પડ્યો છે. બીજી તરફ વેપારી વર્ગ માટે અતિ અગત્યનાં અંગ એવા આંગડીયા અને કુરીયર પણ લોકડાઉનને કારણે બંધ છે. જેથી આવન-જાવન પણ બંધ હાલતમાં છે. વેપારીઓની મુંઝવણનાં દિવસો હાલ તો લંબાતા જાય છે. દરમ્યાન લોકડાઉન હાલ ૩ મે સુધીની મુદ્દત છે ત્યારે રેડીમેઈડ માર્કેટ, કુરીયર, આંગડીયા માર્કેટ, કાપડ માર્કેટ, સોની બજાર વગેરેને ગ્રીન ઝોનમાં સમાવેશ કરી અને આ માર્કેટ તત્કાલ શરૂ કરવાની લાગણી અને માંગણી વેપારી વર્તુળમાંથી ઉઠવા પામી છે. છેલ્લા મળેલા અહેવાલો પ્રમાણે આવતીકાલથી પ૦ ટકા તથા સેનીટાઈઝર તથા સોશ્યલ ડીસ્ટન્સ રાખીને દુકાનો ખુલ્લી રાખવાનું જાહેરનામું કેન્દ્ર સરકારે બહાર પાડયું પરંતુ ગુજરાત સરકારે આજ સવાર સુધીમાં કોઈ જાહેરનામું બહાર પાડયું નથી.