વિકટ સમયમાં વીજ પુરવઠો જાળવવામાં વીજ વોરીયર્સની સુપર કામગીરી

0

કોવીડ-૧૯ને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાને મ્હાત આપવા માટે સરકાર અને તેના કર્મયોગીઓ દિવસ રાત ખડેપગે કામ કરી રહ્યા છે. ત્યારે લોકડાઉનને સફળ બનાવવા ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા સરાહનીય કામગીરી થઈ રહી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે અંગે પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર શ્વેતા ટીઓટીયા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સકારાત્મક ઉર્જા સાથે વીજ પુરવઠો પહોંચાડતા વીજ વોરિયર્સની કામગીરીની સરાહના કરતાં મેનેજીંગ ડાયરેકટર શ્વેતા ટીઓટીયાએ જણાવ્યું હતું કે, હાલ વાતાવરણમાં મિશ્ર ઋતુની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ૪૦થી ૪૨ ડિગ્રી જેટલી ગરમીમાં અને વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોમાં જીવના જોખમે પરિવારની ચિંતા કર્યા વગર કર્મચારીઓ સંનિષ્ઠતાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમજ વીજ પુરવઠો જાળવી રાખવા માટે પણ સતત જહેમત ઉઠાવી રહ્યા છે. વિપત્તિગ્રસ્ત પરિસ્થિતિમાં પણ ઉત્સાહ સાથે કામ કરતા પીજીવીસીએલના દરેક કર્મચારીઓ સાચા અર્થમાં આધારસ્તંભ સમા છે. કોરોના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારનું નામ સાંભળતાની સાથે જ ભયની અનુભૂતિ થાય તેવા જંગલેશ્વરમાં પણ વીજ કર્મયોગીઓ નિષ્ઠાથી ફરજ બજાવે છે. આ ઉપરાંત સમગ્ર પીજીવીસીએલ હેઠળ આવતા કોરોના હોટસ્પોટ વિસ્તારો, દરેક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો, પી.એચ.સી તથા સી.એચ.સી સેન્ટરો, આઈલસોલેશન સેન્ટરો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અવિરત પણે વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દરેક ક્ષેત્રિય કચેરીઓને ખાસ સુચના આપવામાં આવી છે. વધુમાં આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. આમ સોરાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે વીજ કર્મીઓ વોરીયર્સ બનીને ઉદ્દાત ભાવના સાથે સફળ કામગીરી કરી રહ્યા છે.

error: Content is protected !!