ભુભુક્ષિત્ કિમ્ ન કરોતી પાપમ્… ભૂખ્યો માણસ કયુ પાપ ન કરે ? આ ઉકિતને એકદમ બંધ બેસાડતો કિસ્સો જૂનાગઢમાં ગતરાત્રી દરમ્યાન બન્યો છે. આ કિસ્સામાં કેટલાક ભુખ્યા લોકો દુકાનમાં પ્રવેશી પરોઠા-શાક બનાવી જમ્યા હતા અને કોઈપણ પ્રકારની રોકડ કે મુદામાલની ચોરી કર્યા વગર પરત ચાલ્યા ગયા હતા. જૂનાગઢનાં વૈભવ ચોક ખાતે આવેલ ગજાનન પરોઠા હાઉસમાં ગત મધરાત્રીનાં સમયે બાદ ૬ થી ૭ લોકો શટરનાં તાળા તોડી પ્રવેશ્યા હતા અને ત્યાં રહેલ સામાનમાંથી પરોઠા અને શાક બનાવી તમામએ જઠ્ઠરાઅગ્નિને સંતૃપ્ત કર્યો હતો. શહેરનાં હાર્દસમા ધમધમતા વિસ્તારમાં આવેલ આ પરોઠા હાઉસમાં આ પ્રકારની ભોજનની ચોરીથી લોકોમાં અને પોલીસ તંત્રમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. નવાઈની વાત એ છે ભૂખ્યા પેટે આવેલ આ શખ્સોએ જાતે ભોજન બનાવીને આરામથી બેસી જમ્યા અને ત્યારબાદ દરેક વસ્તુ અને વાસણો પણ હતાં એ જ સ્થિતિમાં મુકી તેમજ અંદરથી કોઈ રોકડ કે ચીજવસ્તુઓની ચોરી કર્યા વગર શટર ઉંચકાવી ચાલ્યા ગયા હતા. કોરોના કાળમાં જૂનાગઢમાં બનેલ આ કિસ્સો અત્યંત વિચારપ્રેરક છે કે સમાજમાં એવા લોકો પણ છે કે જે માંગતા શરમાય છે પરંતુ પેટની ભુખના લીધે તેઓ પણ કયારેક કાયદાની મર્યાદા ઓળંગીને આવા કાર્ય કરવા માટે મજબુર બની જતા હોય છે.