Friday, January 22

ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ડો.પ્રતિક વેકરીયાએ ‘ભજીયા પાર્ટી-સિંહ દર્શન’ કર્યાનો આક્ષેપ

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ કે જેઓ કોરોના પોઝિટીવ હતાં અને સારવાર બાદ તેઓ હાલ સ્વસ્થ છે અને તેઓનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે તેવા ડો.પ્રતિક વેકરીયા તેમજ સરકારી કચેરીઓમાં વિવિધ જગ્યા ઉપર જવાબદાર પોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલાં અન્ય લોકો સામે ફરીયાદ અરજી દાખલ કરવાની માંગણી સાથે જૂનાગઢ જીલ્લા પોલીસવડાને રજુઆત કરવામાં આવી છે. ચોકાવનારી બાબત તો એ છે કે ડો.પ્રતિક વેકરીયાને કોરોના પોઝિટીવ આવ્યાનાં બે દિવસ પહેલાં જ તેણે ઘણાં બધાં લોકોને ભેંગા કરી અને તેમની સાથે ભોજન પાર્ટી સહિતનાં કાર્યક્રમ યોજેલ છે અને આ પાર્ટીઓમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ પણ ઘણાં હાજર રહ્યાં છે ત્યારે કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામતાં ભેંસાણ અને આસપાસનાં પંથકોમાં ભારે હલચલ મચી જવા પામી છે. આ બનાવ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર ભેંસાણ તાલુકાનાં તડકા પીપળીયા ગામનાં એલએલબી સુધીનો અભ્યાસ કરનાર સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ જૂનાગઢ જીલ્લા પોલીસવડાને એક ફરીયાદ અરજી પાઠવી અને ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસર પ્રતિક વેકરીયા, નાયબ મામલતદાર ભેંસાણ કનકસિંહ પરમાર, તાલુકા પંચાયત કચેરીનાં એસઓ પ્રતિક ભાયાણી, શશીભાઈ વ્યાસ (તાલુકા ભાજપ અગ્રણી), હરસુખભાઈ ભેંસાણીયા (માજી સરપંચ), દિપકભાઈ સાવલીયા (સત સ્ટીલ), નિકાભાઈ ઉર્ફે નિકુંજભાઈ મેઘજીભાઈ કાછડીયા, નિલેશ સાવલીયા (કોન્ટ્રાકટર), હિતેષભાઈ ઉર્ફે ભાખરો ભેંસાણીયા, હકાભાઈ મોચી, વિપુલભાઈ ભુવા (આર.ઓ વોટર પ્લાન્ટ), ધીરૂભાઈ ગોરધનભાઈ પટોળીયા, જી.આર.ડી.નાં કેટલાંક સભ્યો, ભેંસાણ પોલીસ સ્ટેશનનાં કેટલાંક પોલીસ કર્મચારીઓ, તાલુકા પંચાયત ભેંસાણનાં અમુક કર્મચારીઓ, મામલતદાર કચેરીનાં કેટલાંક કર્મચારી તેમજ આશિષભાઈ ભેંસાણીયા ઉપરાંત જંગલ ખાતાના બે વનકર્મચારીઓ (જેમાં એક થ્રી સ્ટાર રેન્ક અધિકારી અને એક ગાર્ડકક્ષાનાં અધિકારી) તેમજ સામતપરા ગામના અને ગેરકાયદેસર રીતે સિંહદર્શન અને રાત્રીનાં પાર્ટીમાં હતા તે સર્વે તેમજ અજાણ્યા શખ્સો તેમજ અન્ય તપાસમાં જે કોઈ નવાં નામો ખુલવા પામે તે તમામ સામે ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. હાલ સમગ્ર દેશમાં જયારે કોરોના વાયરસની મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે કોવિડ-૧૯ અંતર્ગત જાહેરનામાનો ભંગ આ આરોપીઓએ કરેલ છે. અને ભજીયા પાર્ટી, ભોજન પાર્ટી, લાડવા પાર્ટી, ઉંબાળીયા પાર્ટી જેવા કાર્યક્રમો યોજયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવેલ છે અને આ તમામ સામે તટસ્થ તપાસ કરી અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસવડાને સંજય ભીખુભાઈ કાપડીયાએ પાઠવેલી ફરીયાદ અરજીમાં જણાવેલ છે કે સામુહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણનાં મેડીકલ ઓફિસર ડો.પ્રતિક વેકરીયા સહિત અન્યો સામે જે આક્ષેપો અને જે ફરીયાદો કરવામાં આવી છે તેમાં જણાવેલ છે કે પ્રતિક વેકરીયા ગત તા.પ-પ-ર૦ર૦નાં રોજ કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યાનાં બે દિવસ અગાઉ અન્ય આરોપીઓ સાથે ભેગા મળીને ભેંસાણ ગામનાં વાડી વિસ્તારમાં દિપકભાઈ સાવલીયાનાં ખેતરે રાત્રીનાં સમયમાં ભજીયા પાર્ટીનો અને ચુરમાનાં લાડવાનો પોગ્રામ કરી અને સમુહ ભોજન કરેલ અને આ ઉપરાંત આ તમામ સરકારી કર્મચારીઓ છે તેઓ પોતાની ફરજ વિષે માહિતગાર પણ હોય અને સરકારનું એક અંગ છે. હાલ કોરોના બિમારી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તે જાહેરનામાનો આ લોકોએ સરેઆમ ભંગ કરેલ છે. એટલું જ નહીં લોકડાઉનનાં સમયમાં રાત્રીનાં સમયમાં વાડી વિસ્તારમાં ભેંગા થઈ અને કોઈ મેડીકલ સારવાર કરાવ્યાં વગર ગંભીર રોગનો ફેલાવો કરવા અને ગેરકાયદેસર રીતે મંડળી રચી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પની જાગવાઈઓનો ભંગ કરી આઈપીસી ૧૮૮, ર૬૯, ૧૧૪ મુજબ ગુનો કરેલ છે. આ ઉપરાંત એક ચોક્કસ સત્ય બાબત ઉપર પણ તંત્રનું ધ્યાન દોરેલ છે કે આરોપી નં.૧ને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાનાં ત્રણ દિવસ અગાઉ ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવા કરીયા-સામતપરા જંગલમાં આવેલ એક મંદિરે શાક અને રોટલાનો કાર્યક્રમ પણ યોજેલ અને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન પણ કરાવવામાં આવેલ આ ઉપરાંત ડો.પ્રતિક વેકરીયાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેને સરકારી સિવિલ જૂનાગઢ ખાતે આઈસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવેલ પણ ત્યાં પણ તેને ટ્રાવેલ્સ હિસ્ટ્રીમાં ઘણી હકીકતો છુપાવી છે અને લોકોનું જાહેર જન આરોગ્ય ગંભીર રીતે જાખવાનો પ્રયત્ન કરેલ છે તેમજ મેંદરડા તાલુકાનાં સમઢીયાળા ગામે તેમજ વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામે પણ વાડી વિસ્તારમાં ઘણાં બધાં લોકો સાથે પાર્ટીઓ કરી હોવાની બાબતો પણ સામે આવી છે અને જે-તે પાર્ટીમાં સામેલ થયેલા લોકો હાલ કોરોન્ટાઈન છે. આમ ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ડો.પ્રતિક વેકરીયા સહિતનાઓએ જાહેરનામાનો ભંગ કરી અને લોકડાઉનનાં સમયમાં પણ જુદી-જુદી પાર્ટીઓ, મીજબાનીઓ, ભોજનનાં કાર્યક્રમો રાખવા સહિતનાં ગુનાઓ કરેલ છે ત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ ઈ-મેઈલ મારફત ફરીયાદ કરી છે.

error: Content is protected !!