વેરાવળના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાન-બીડી-તમાકુની હોલસેલ દુકાનમાં ગતરાત્રી દરમ્યાન અજાણ્યા તસ્કરોએ તમાકુ-સોપારીના મોટા જથ્થાની ચોરી કરી દુકાનને આગને હવાલે કરી દીધાની ભેદી ઘટના બહાર આવી છે. આ ભેદી ઘટના અંગે અનેક પ્રકારની ચર્ચાઓ બજારોમાં ચાલી રહી છે તો બીજી તરફ વહેલી સવારની ઘટનાની પોલીસ ફરીયાદ ન નોંધાતા અનેક તર્કવિતર્કો થઇ રહયા છે.
હાલ ચાલી રહેલ લોકડાઉનમાં તમાકુ, બીડી અને સોપારીના મોટાપાયે થઇ રહેલ કાળાબજારની ચર્ચાઓ વચ્ચે ગઈકાલે વેરાવળમાંથી પાન-બીડીની હોલસેલ દુકાનમાં થયેલ ચોરી- આગની ભેદી ઘટનાથી વેપારીવર્ગ અને શહેરભરમાં ચકચાર પ્રસરી છે. ટોક ઓફ ધ ટાઉન બનેલ ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર વેરાવળના જાગતા પડ રહેતા વિસ્તાર એવા એસટી બસ સ્ટેશન સામે આવેલ જયોતિ સેલ્સ નામની પાન-બીડીની દુકાનમાંથી ઉડી રહેલ ધુમાડાના કારણે આજુબાજુમાં રહેતા લોકોને ગુંગણામણ થતા આગ લાગી હોવાનું જણાયેલ હતું. જેથી પાડોશીઓએ દુકાન માલીક અને તંત્રને જાણ કરી હતી. જેના પગલે ફાયર ફાઈટરનો સ્ટાફ બે પાણીના બંબા સાથે દોડી આવી એકાદ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાના પગલે દોડી આવેલ પોલીસ સ્ટાફે પણ આગ અને ચોરીનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ દુકાનના માલીકે તપાસ કરતા ચોંકાવનારૂ દ્રશ્ય જોવા મળેલ જે અંગે દુકાનના માલીક સુંદરદાસભાઇએ મીડીયાને જણાવેલ કે, અમારી દુકાનનું પાછળનું શટર કોઇ અજાણ્યા તસ્કારોએ ઉંચકાવી અંદર પ્રવેશ્યા હતા. દુકાનમાં રહેલ સોપારી, સીગરેટ, બીડી, તમાકુ, ગુટકાના મોટા જથ્થાની ચોરી કરી લઇ ગયા છે. દુકાનમાંથી જથ્થો ચોરી કર્યા બાદ જતા જતા તસ્કરોએ દુકાનને આગને હવાલે કરી દીધી હતી. દુકાનમાંથી ચોરી અને આગથી અંદર રહેલ અંદાજે રૂ. ૧૪ લાખની કિંમતના તમાકુ, સોપારી, સીગરેટ, બીડીના જથ્થાને નુકશાની થઇ છે. જે અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
આ ભેદભરી આગ અને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા અંગે પોલીસે સીસીટીવી કમેરાના આધારે તપાસ હાથ ધરી છે. તો આ ચોરી-આગની ઘટનાએ વેરાવળ શહેરમાં લોકડાઉનમાં તમાકુ-સોપારીના મોટાપાયે થઇ રહેલ કાળાબજારીને કયાંક કોઈ સરકારી તંત્રએ સમર્થન આપ્યું હોવાનું જાણકારોમાં ચર્ચાય રહેલ છે. શહેરના અમુક કહેવાતા આગેવાનો વગ વાપરી તંત્રના અમુક ચોકકસ લોકોની મીઠી નજર હેઠળ ચોકકસ વિસ્તારોમાં આવેલ પાન-તમાકુની હોલસેલ દુકાનોમાંથી મોટો જથ્થો કઢાવી કાળાબજારના હવાલે કરતા હોવાનું સુવ્યવસ્થીત ષડયંત્ર ચલાવતા હોવાનું જાણકારોમાં ચર્ચાઓ ચાલી છે.