જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાનાં રોગચાળાની ગંભીર બિમારીનાં ખતરા સામે આરોગ્ય વિભાગ દ્વારા સતત તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે અને જેનાં સારા પરિણામ પણ આવેલાં છે પરંતુ જયારથી બહારગામથી અવરજવર વધી છે ત્યારથી જે વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો અને જે વિસ્તારને ગ્રીનઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તેવા જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી પાંચ તારીખથી શરૂ થઈ છે. જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે આવેલાં સામુહિક આરોગ્ય કેન્દ્રનાં એક તબીબ અને સહાયકને ગત તા.પ નાં કોરોનાં પોઝિટીવ આવ્યો હતો અને ત્યારબાદ તેમને સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ અને આ બંનેને તબીયત સુધારા ઉપર આવતાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે. ત્યારબાદ તા.૧૦નાં મધુરમની એક સોસાયટીમાં આવેલ એક યુવાન બહારગામથી આવેલ તેને કોરોના પોઝિટીવ આવતાં તે સારવાર હેઠળ છે. જયારે માંગરોળ ખાતે પણ ગત તા.૧૧નાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો હતો. અને તે પણ સારવાર હેઠળ છે. જયારે વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ખાતે મુંબઈથી પોતાનાં માતા-પિતા સાથે આવેલ એક ૧પ વર્ષનાં કિશોરને પણ કોરોના પોઝિટીવ આવ્યો હતો અને ત્યારબાદ માળીયા પંથકમાં ૧ કેસ આવ્યો હતો આ દરમ્યાન પ્રેમપરા ખાતે આવેલાં યુવાનનાં માતા (ઉ.વ.૩૮) અને તેનાં પિતા (ઉ.વ.૪૦) તેમજ અન્ય એક બરડીયા ગામનો વ્યકિત (ઉ.વ.૪૮) નો સમાવેશ થાય છે. આમ જૂનાગઢ જીલ્લામાં જયારથી કોરોનાની એન્ટ્રી થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૯ કેસ કોરોનાનાં રહ્યાં છે અને તેમાંથી બે કેસ ડિસ્ચાર્જ થયા છે આમ હાલ જૂનાગઢ જીલ્લામાં ૭ કેસ કોરોનાના એકટિવ છે. બીજી તરફ જે-જે વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે ત્યાં સરકારશ્રીની અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. કન્ટેઈન્મેન્ટ ઝોન, બફર ઝોન પણ જાહેર કરેલ છે. તેમજ સર્વેની કામગીરી અને સેમ્પલ લેવાની કામગીરી પણ સતત હાથ ધરવામાં આવેલી છે. ૧૩ જૂન સુધી જાહેરનામું
કોરોના પોઝિટીવ કેસનાં પગલે ૧૬ મેનાં રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામું ૧૩ જૂન સુધી લાગુ પડશે અને તેનો ભંગ કરનાર સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.