ગુજરાતમાં આર્થિક ક્ષેત્રને વેગ આપવા માટે સરકારે લોકડાઉનમ ૪.૦માં નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં કેટલીક છૂટછાટો આપી છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં છૂટછાટ મળ્યા બાદ મહ્દઅંશે જનજીવન ફરીથી ધબકતું થયું છે. બજારો ખુલતાં છેલ્લા બે મહિનાથી બંધ પડેલી દુકાનો પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો લોકડાઉન દરમિયાન એક્સપાયર ડેટની ખાદ્ય વસ્તુઓ વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. લોકડાઉન દરમ્યાન દુકાનોમાં પડી રહેલી ખાદ્ય વસ્તુઓ એક્સ્પાયર થઈ જતાં લેભાગુ તત્વો આવી વસ્તુઓને લૂઝ પેકિંગમાં વેચી રહ્યાં છે, જેના પર કોઈ પેકિંગ ડેટ કે બારકોડ લાગેલો હોતો નથી. જ્યારે બીજી તરફ રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા સંખ્યાબંધ દરોડા પાડીને આવી વસ્તુઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગે લોકડાઉનમાં અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં રૂ. ૬૫ લાખની કિંમતની ખાદ્ય વસ્તુઓનો નાશ કર્યાે છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગ્રાહક સંગઠનના અગ્રણી જશંવતસિંહ વાઘેલાએ આ અંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, કેટલાક પ્રમાણિક દુકાનદારોને બાદ કરતાં અનેક જગ્યાએ ખાદ્ય વસ્તુઓનું રિપેકિંગ, રિપ્રોસેસ અને તેમાં થોડી નવી વસ્તુઓને ભેળવીને વેચાતી હોવાની ફરિયાદો સામે આવી છે. જેથી ગ્રાહક વસ્તુને ઘરે જઈને ખોલે ત્યારે ખબર પડે કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આવી ફરિયાદો અંગે ખોરાક અને ઔષધ નિયામક તંત્રએ પગલા લેવાઈ રહ્યા હોવાનો દાવો કરતા જણાવ્યું કે, લોકડાઉન દરમ્યાન ૩૫૦૦ જેટલી દુકાનો પર ચીજવસ્તુઓનું ચેકિંગ કરાયું છે. જેમાંથી લગભગ ૬૫ લાખ રૂપિયાની કિંમતનો ૫૪૦૦૦ કિલોથી વધુનો જથ્થો નાશ કરાયો
છે.