કોરોના વાયરસ સમયગાળા દરમ્યાન વિવિધ મોરચા ઉપર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચારગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત છે. કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં દરરોજ ૧ લાખ પીપીઈ કિટ બનાવવામાં આવે છે. એક તરફ, ચીનથી આયાત થતી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટની કિંમત કિટદીઠ રૂ.૨૦૦૦ થાય છે. તો બીજી તરફ, રિલાયન્સની કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૬૫૦માં પીપીઆઈ કિટ બનાવે છે. પીપીઈ કિટ ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપરાંત પોલીસ અને સફાઈ કામદારો જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાવાયરસના ઇન્ફેક્શનથી બચાવે છે. દરરોજ એક લાખથી વધારે પીપીઈ કિટ બનાવવા માટે રિલાયન્સે પોતાના વિવિધ ઉત્પાદન કેન્દ્રોને આ કામમાં લગાવ્યાં છે. જામનગરમાં સ્થિત દેશની સૌથી મોટી રિફાઇનરીએ એવા પેટ્રોકેમિકલ્સનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે, જેમાંથી પીપીઈનું કાપડ બને છે. આ જ કપડાનો ઉપયોગ કરીને આલોક ઇન્ડસ્ટ્રીઝમાં પીપીઈ બનાવવામાં આવે છે. આલોક ઇન્ડસ્ટ્રીઝનું તાજેતરમાં રિલાયન્સે એક્વિઝિશન કર્યું હતું. આલોક ઇન્ડસ્ટ્રીઝની તમામ સુવિધાઓ પીપીઈ કિટ બનાવવામાં લગાવવામાં આવી છે. અત્યારે ૧૦,૦૦૦થી વધારે લોકો આલોક ઇન્ડસ્ટ્રીઝમાં પીપીઈ બનાવવાના કામમાં લાગેલા છે. પીપીઈ જ નહીં ‘કોરોના ટેસ્ટિંગ કિટ’નાં ક્ષેત્રમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્વદેશી ટેકનિક વિકસિત કરી છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ ની સાથે મળીને રિલાયન્સે સંપૂર્ણપણે સ્વદેશી આરટી-એલએએમપી આધારિત કોવિડ-૧૯ ટેસ્ટ કિટ બનાવી છે. આ ટેસ્ટિંગ કિટ ચીનની કિટથી ઘણી સસ્તી છે. ૪૫થી ૬૦ મિનિટની અંદર ટેસ્ટિંગના સટિક પરિણામો મળી જાય છે.આરટી-એલએએમપી ટેસ્ટિંગ કિટમાં એક ટ્યુબનો ઉપયોગ થાય છે. એટલે એને એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ ઉપર ઉપયોગમાં લાવી શકાય છે. આ ટેસ્ટ કિટમાં મૂળભૂત લેબ અને સાધારણ કાર્યદક્ષતાની જરૂર હોય છે, જેથી એનો ઉપયોગ ટેસ્ટિંગ મોબાઇલ વેન/કિયોસ્ક જેવા જગ્યાઓ ઉપર થઈ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અગાઉ નમૂના લેવામાં ઉપયોગ થતી ટેસ્ટિંગ સ્વેબના વિકાસમાં મહ¥વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. અગાઉ આ ટેસ્ટિંગ સ્વેબની આયાત પણ ચીનથી થતી હતી, જેની કિંમત ભારતમાં સ્વેબદીઠ રૂ.૧૭ બેસતી હતી. રિલાયન્સ અને જહોન્સન એન્ડ જહોન્સનના સહયોગથી વિકસિત નવી દેશી સ્વેબની કિંમત ચીનની સ્વેબથી ૧૦ ગણી ઓછી એટલે કે રૂ.૧.૭૦ બેસે છે.