કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી દેશને બચાવવા તંત્ર દ્વારા લોકડાઉનનું ઉત્તમ પગલું ભર્યું છે. પણ લોકડાઉનનાં કારણે અનેક પરિસ્થિતિઓનું નિમાર્ણ થયું છે. લોકડાઉન થતા લોકોનાં ધંધા/રોજગાર અંદાજે બે મહિના બંધ રહ્યા હતા. લોકોની આવક બંધ થાઈ હતી. જેમાં ગરીબ માણસોને ખાવાની પણ ફાફા પડયા હતા. પરંતુ અનેક સેવાભાવી સંસ્થાઓએ માનવતા દાખવી રંગ રાખ્યો હતો અને લોકોને જમવાનું તેમજ રાશનકીટનું વિતરણ કર્યું હતુ. લોકોને સરકાર પાસે ઘણી આશા હતી. તેમાં રાજસ્થાન સરકારે વીજબિલ માફ કરી દેતા લોકોને આશા જાગી કે ગુજરાત સરકાર પણ લાઈટબિલ માફ કરી દેશે. પણ લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. લોકડાઉનમાં લોકોને વીજબિલમાં રાહત અપાઈ તેવી કોંગ્રેસે પણ માંગ કરી હતી. કોરોના મહામારી દરમ્યાન વીજ ગ્રાહકોને માર્ચ-એપ્રિલ મહિનાનાં વીજબિલ ૩૦ મે સુધી ભરી શકવાની છૂટ આપવામાં આવી હતી તે સમયમર્યાદા આગામી બે-ત્રણ દિવસમાં પૂર્ણ થવાની છે ત્યારે પીજીવીસીએલે દરેક વીજ ગ્રાહકોને પોતાનું વીજબિલ ૩૦ મે સુધીમાં ભરી દેવા જણાવ્યું છે. જૂના વીજબિલ ભરવા ઉપર કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ નહી લાગે. ૩૦ મે બાદ પણ જા કોઈ ગ્રાહક વીજબિલ ભરપાઈ નહી કરે તો તેની સામે કનેકશન કાપવા સુધીની કાર્યાવાહી કરવામાં આવશે. કોવિડ-૧૯ કોરોના મહામારી લોકડાઉન દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા ગ્રાહકોને અપાયેલી રાહત પ્રમાણે ૧ માર્ચ થી ૩૦ એપ્રિલ દરમ્યાન બનેલા વીજબિલનાં નાણાં તા.૩૦ મે સુધીમાં ભરવાની છૂટ આપવામાં આવેલ હોય, આ પ્રકારના વીજબિલ ઉપર કોઈ પ્રકારના વિલંબિત ચાર્જ કે વીજ પ્રવાહ બંધ કરવાનો રહેતો નથી. વીજબિલનાં નાણાં જા ઉકત સમયગાળા દરમ્યાન ભરવાનાં બાકી હોય તો સરકારની આપેલી આ રાહત મેળવવા માટે ૩૦ મે સુધીમાં ચૂકવણું કરવાનું રહેશે. બિલ નથી મળ્યું એવા ગ્રાહકોએ તેમની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. જા કે વિજતંત્રે ગ્રાહકોને તેમનાં મોબાઈલ ઉપર બીલ મોકલી દીધા હોય અને મોટા ભાગનાં ગ્રાહકોને આમાં કોઈ સમજ પડતી ન હોય ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને વીજતંત્રની આવી મનમાની સામે ભારે નારાજગી છવાય છે અને લોકોને મેન્યુલી બીલ ઘરે પહોંચાડવામાં આવે એવી માંગ કરી છે.