કેશોદ : સોરઠને આઝાદી અપાવનારા આરઝી હકૂમત સૈનિકોનાં સંભારણા

સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે સોરઠમાં નવાબી શાસન હેઠળથી મુક્ત બનાવવા આરઝી હકૂમતનાં સૈનિકો જંગ લડી રહ્યા હતા. કેશોદના સ્વ. રતુભાઈ અદાણીની આગેવાની હેઠળ સોરઠનાં યુવાનોએ ઘર પરિવાર છોડીને જંગમાં ઝંપલાવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આરઝી હકુમતની લડાઈમાં જૂનાગઢનાં નવાબને ભગાડવામાં ખુલ્લી મદદ કરી શકે એવી સ્થિતિમાં નહોતી ત્યારે સોરઠનાં દરેક વિસ્તારોમાંથી સૈનિકો માટે તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. અંતે ૯ મી નવેમ્બરનાં રોજ જૂનાગઢ જીલ્લો નવાબી શાસનમાંથી આઝાદ થયેલ હતો. આરઝી હકુમતનાં સરસેનાપતિ રતુભાઈ અદાણીએ કેશોદ ખાતે સોરઠ ક્ષયનિવારણ સમિતિ હેઠળ જીવલેણ ટીબીનાં રોગીઓને બચાવવા મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરીને કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં હોસ્પિટલ શરૂ કરી હતી. આરઝી હકુમતનાં સૈનિકોનાં સંભારણા કાયમી ધોરણે મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ આવનારી પેઢીઓને માહિતગાર અને પ્રેરણાદાયક બની શકે એવાં હેતુથી ઉના ટીબી હોસ્પિટલ સંકુલમાં બનાવવાનું નક્કી કરવામાં આવેલ હતું. સ્વ. રતુભાઈ અદાણી સાથે આરઝી હકૂમતની જંગમાં જોડાયેલાં સેનાનીઓને કે તેઓનાં પરિવારજનોને જાણ કરી કોઈપણ વસ્તુઓ આપવા અપીલ કરવામાં આવી હતી અને સૌ સેનાનીઓ દ્વારા આરઝી હકૂમતની ચળવળની સ્મૃતિઓ સદુપયોગ માટે અર્પણ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ટીબી હોસ્પિટલ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવતાં ઉના ખાતે આવેલી ટીબી હોસ્પિટલ બંધ થતાં તમામ સાધન સામગ્રી કેશોદ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આરઝી હકૂમતનાં સૈનિકોનાં સંભારણા કેશોદમાં મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ રહે એવો હેતુ સફળ બનાવવા અક્ષયનાથ મંદિર પાસે હોલ બનાવવામાં આવેલ હતો. આરઝી હકૂમતનાં સરસેનાપતિ અને સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક રચનાત્મક આગેવાન રતુભાઈ અદાણીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો અને પ્રથમ હરોળના અંગત વ્યક્તિઓ સેવાકીય પ્રવૃતિઓ રચનાત્મક પ્રવૃત્તિઓની ઉપર ઉઠીને વ્યવસાયિક ધોરણે સમગ્ર સોરઠમાં આવેલી જંગમ મિલકતો અને સ્થાવર મિલ્કતો પોત પોતાની સંસ્થાઓ સાથે જોડીને સિધ્ધાંતો અને ડહાપણ નેવે મુકવામાં આવતાં કેશોદ ખાતેની સંસ્થા ધાર્મિક સંસ્થા સાથે જોડાણ કરવામાં આવતાં વ્યાપારીકરણ બની ગયું છે. આરઝી હકૂમતનાં સૈનિકોનાં સંભારણા કેશોદમાં મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ રહે તે હેતુથી જુદા-જુદા વિસ્તારોમાંથી સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા તેનો ઉપયોગ કરવામાં ન આવતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી ન થતાં જવાબદાર વ્યક્તીઓને પુછપરછ કરવામાં આવતાં ઉડાઉ જવાબ આપવામાં આવે છે.
આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૌરાણિક હથીયારો જવાબદાર વ્યક્તિઓનાં ડ્રોઈંગ રૂમમાં શોભા વધારી રહ્યા છે અને અમુક ભેટમાં આપવામાં આવ્યા છે ત્યારે જુનાં ફોટાઓ, પ્રશસ્તિ પત્ર, કપડાં, અખબારો, પુસ્તકો જેવી દુર્લભ વસ્તુઓ ભંગારમાં કે સ્ટોરમાં ધુળધાણી થઈ ગયાં છે! આજે નવમી નવેમ્બર જૂનાગઢ આઝાદી દિવસે સંસ્મરણો વાગોળીને રાષ્ટ્રભક્તિનો દેખાડો કરવાને બદલે બચેલી દુર્લભ વસ્તુઓનો સદુપયોગ કરી કેશોદ ખાતે મ્યુઝિયમ બનાવી સ્વ. રતુભાઈ અદાણીનું સ્વપ્ન સાકાર કરી સાચી શ્રદ્ધાંજલિ આપે એવું રાષ્ટ્રભક્તોમાં ચર્ચાઈ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!