આગામી સોમવારથી ભગવાન ભોળાનાથ શિવજીની પૂજા-ભકિત માટેનાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને દેવાધીદેવ મહાદેવની ભકિતમાં ભાવિકો લીન બની જશે. આ સાથે જ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની કટોકટી વચ્ચે જનજીવન ઉપર જે અસર પડી હતી અને હવે જયારે ધંધા-રોજગાર અને જનજીવન થાળે પડી રહ્યું છે ત્યારે શ્રાવણ માસની શરૂઆત સાથે જ બજારોમાં પણ તેજીનો દોર જાેવા મળશે. શ્રાવણ માસનાં તહેવારો ત્યારબાદ ગણપતિ ઉત્સવ અને બાદમાં નવરાત્રી, દિપાવલીનાં તહેવારો પણ શરૂ થવાના છે અને આ સમય વેપાર-ધંધાને માટે આર્શીવાદરૂપ બનશે. આગામી રક્ષાબંધનથી જ મીઠાઈ, કપડા અને ઝવેરાત સહિતની બજારો ધમધમી ઉઠશે. જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર અને ગુજરાતમાં રક્ષાબંધનના તહેવાર બાદ દિવાળીના તહેવારોની મોસમ આવી જશે અને આ પરિસ્થિતિમાં નાના-મોટા વેપારીઓ અને છૂટક ધંધો કરનારાઓને ઘરાકીની આશા બંધાઇ છે. કોરોનાની ત્રીજી લહેર ભલે આવે ગુજરાતીઓ પોતપોતાની રીતે તહેવાર ઉજવવાના છે. તાજેતરમાં દુધના ભાવમાં ઓચિંતો વધારો આવતા આગામી તહેવારોમાં દુધની બનતી સ્વીટસમાં કિલોએ ૧૦ થી ૧૫ ટકા ભાવ વધારો થશે તેવું વેપારીઓએ જણાવેલ છે. વધુમાં દિવાળીમાં ગિફટ પેકેજીસમાં કાજુકતરી ૯૦૦થી ૧૦૦૦ના કિલોના ભાવે જાય છે. આ ઉપરાંત મોહનથાળ ૭૦૦-૮૦૦ કિલોના ભાવે દિવાળીમાં ૧૯૦૦થી ૨૦૦૦ કિલો કે તેથી વધુ મોટા ઓર્ડરો સ્વીટનાં વેપારીઓને મળતા હોય છે. જયારે દિવાળીમાં સોનું અને અન્ય ઝવેરાતમાં પણ મોટી ઘરાકી નીકળવાનું મોટા શો રૂમના માલિકોની ગણત્રી છે. જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રનાં સોના-ચાંદીનાં દાગીનાનાં શોરૂમ ધરાવતા અગ્રણી-વેપારીઓનું કહેવું છે કે, લોકડાઉનમાં શો રૂમો બંધ રહ્યા પરંતુ છેલ્લા ચાર પાંચ મહિનામાં માર્કેટમાં સારી ઘરાકી નીકળી છે જે દિવાળીમાં પણ વધવાની જ છે. ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજયોમાં સારૂ ચોમાસુ છે તેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની ભારે ઘરાકી નીકળવાની આશા છે અને લેટેસ્ટ ડીઝાઇનના ડાયમંડ સેટસ શોરૂમમાં ગોઠવવા માંડયા છે અને આગામી દિવસોમાં આ બધા શોરૂમનો માલ આપોઆપ ઉપડી જવાનો છે. કારણ કે ગુજરાતમાં ધનતેરસ, ભાઇબીજમાં સોનાના જડતર અને ડાયમંડના સેટસ આપવાનો ક્રેઝ વધ્યો છે તે જાેતા આ બજારોમાં તેજી રહેવાની જ છે અને તેની શરૂઆત રક્ષાબંધનથી થશે તે નક્કી છે. આ બજારો ઉપરાંત રેડીમેડ ફ્રેબીકસ અને કપડામાં પણ હંમેશ મુજબ સારી ઘરાકી નીકળશે એવું મનાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews