જૂનાગઢ શહેરમાં મનોરંજન સર્કીટ હાઉસ ખાતે ગત શનિવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં મંત્રી રામદાસ આઠવલેએ જૂનાગઢ શહેરમાં આગામી દિવસોમાં ૧ હજાર દિકરીની ક્ષમતાવાળી સમરસતા હોસ્ટેલ બનનાર હોવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત અન્ય વિગતો પણ આપવામાં આવી હતી. વેરાવળમાં સદભાવના સંમેલન માટે આવેલા કેન્દ્રિય સામાજીક અધિકારીતા અને ન્યાય વિભાગના મંત્રી રામદાસ આઠવલેએ થોડા કલાકો માટે જૂનાગઢમાં રોકાણ કર્યું હતું. તેમણે જૂનાગઢની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, હું જૂનાગઢ ઘણીવાર આવ્યો છે અને ગીરનાર ચઢ્યો છું. છેલ્લે ૧૫ વર્ષ પહેલાં જૂનાગઢ આવ્યો હતો. ત્યારે ગીરનારના ૧૦ હજાર પગથિયાં ચઢ્યો હતો. આ પર્વત પર્યાવરણને મજબૂત રાખે છે. હમણાં ખબર પડી કે હવે ત્યાં રોપ-વે પણ છે. આગામી દિવસોમાં જૂનાગઢમાં ૧૦૦૦ દિકરીની ક્ષમતાવાળી સમરસતા હોસ્ટેલ બનનાર હોવાની વિગતો પણ આપી હતી. સાથે પોતે પણ મુંબઇમાં હોસ્ટેલમાં રહીને જ ભણ્યા હોવાનું કહ્યું હતું. તેમણે ગુજરાત સરકાર ૬ લાખ સુધીની સ્કોલરશીપ આપતી હોવાથી પોતે પણ કેન્દ્ર સરકાર દ્વારા અપાતી અઢી લાખ રૂપિયાની મર્યાદા વધારીને ૬ લાખ કરવા ભલામણ કરનાર હોવાનું જણાવ્યું હતું. તો ગુજરાતમાં પાટીદારોની ઓબીસીમાં સમાવવાની માંગણીને પોતાની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ટેકો આપતી હોવાનું અને આગામી દિવસોમાં પાર્ટીનું જૂનાગઢમાં એકમ શરૂ થવા જઇ રહ્યાનું પણ જણાવ્યું હતું. આ તકે તેમણે અગાઉ ડ્રગ્સના બંધાણીઓને જેલમાં ધકેલવાને બદલે નશા મુક્તિ કેન્દ્રમાં રાખવાના કાયદાની તજવીજ માટે કરેલી જાહેરાતને ફરી દોહરાવી હતી. કૃષિ કાયદો પાછો લેવા અંગે આઠવલેએ કહ્યું હતું કે, આ મામલે સરકાર બેક ફૂટ ઉપર નથી. પણ જાે એક કાયદો પાછો ખેંચીશું તો બીજા કાયદા પાછા ખેંચવા પણ બધા સીંધુ બોર્ડરે બેસશે એવી ભિતી હતી. આમાં તો મોદીજીનું કદ ઉલ્ટાનું વધ્યું છે તેમ જણાવ્યું હતું. વિશેષમાં મનોરંજન સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની સાથે જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ રહ્યા હતા તેમજ અધિકારીગણ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માહિતી વિભાગનાં અર્જુન પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, શાસકપક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા વિગેરેએ પણ મંત્રી રામદાસ આઠવલેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews