જૂનાગઢ સિવિલ હોસ્પિટલની કોરોના રસીકરણ ટીમે રસીકરણ ક્ષેત્રે અદ્વિતીય રસપ્રદ સિધ્ધી હાંસલ કરી છે. ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના રસીકરણ મહાઅભિયાનને વેગવંતુ બનાવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા દ્વારા રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણ ટીમ દ્વારા ૩૬૩ દિવસમાં એક જ સેન્ટર ઉપરથી ૪૬,૫૩૧ કોરોનાની રસીના ડોઝ આપ્યા છે. કોવિડ મહામારી વચ્ચે જનહિતાર્થે આરંભાયેલા કોરોના રસીકરણમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચે પણ સિવિલ હોસ્પિટલ કોરોના રસીકરણ કેન્દ્રએ રસીકરણની ગતિને થંભવા દીધી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વધું જાેખમ ધરાવતાં જૂથોને પ્રાથમિકતાના આધારે રસીકરણ માટે પસંદ કર્યા હતા. આ પ્રથમ જૂથમાં આરોગ્ય કર્મચારીઓ અને હેલ્થ વર્કર સામેલ છે. બીજા જૂથમાં ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ અને ત્રીજા તબકકામાં ૫૦ વર્ષથી વધારે વયના લોકો તથા પહેલેથી બિમાર હોય તેવા લોકો સામેલ છે. ત્યાર પછી બાકીના બધા જરૂરિયાતમંદોને વેક્સીન આપવાનું શરૂ કર્યું હતું.જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અને સિવીલમાં જ કેન્સરની કિમોથેરાપીની સારવાર આપનાર ડો.અજય પરમાર, ડો.કનવી વાણિયા, ડો.નૈનશ ઝાલાવડિયા સહિતના તબીબોએ પ્રથમ કોરોનાની વેક્સીન લીધી હતી. જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેનાર ડો.અજય પરમારે જણાવ્યું હતું કે, તે પ્રિકોશન ડોઝ સહિત વેક્સીનના ત્રણેય ડોઝ લઇ લીધા છે. આ વેક્સીનની કોઇ પણ પ્રકારની આડઅસર થઇ નથી. પણ હા, આ વેક્સીનથી ઘણો ફાયદો થાય છે. આપણા શરીરની ઇમ્યુનીટી વધી જતા કોરોનાથી રક્ષણ મળે છે. આ રસીકરણની વિગત જાેઇએ તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા ૨૪૭૦૦ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે ૨૧,૧૧૩ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે અને ૭૧૮ લોકોને પ્રિકોશન ડોઝ સહિત કુલ ૪૬,૫૩૧ લોકોનું રસીકરણ કરાયું છે.