કેસર કેરીનાં ઉત્પાદનમાં પ૦ ટકા જેટલો ઘટાડો રહેવાની બાગાયતદારોમાં ભીતિ

0

આ વખતે કેસર કેરી ખાવા માંગતા કેરી પ્રેમીઓએ કેરી ખરીદવા પોતાના ગજવા હળવા કરવા પડે તેવી સ્થિતિ ઉભી થવાની છે. કેરી પકવતા ખેડૂતોનું માનવું છે કે, આ વખતે ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થવાનો છે તેના કારણે હોલસેલ અને રીટેલના ભાવ ઉંચા રહે તેવી શકયતા છે. ખેડૂતોનો દાવો છે કે, જૂનાગઢ અને ગીર-સોમનાથના વેપારીઓએ અમોને વાર્ષિક કોન્ટ્રાકટ કરી ડબલ ભાવ આપવાની ઓફર કરી છે. અત્રે નોંધનીય છે કે, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દર વર્ષે ૨ લાખ મેટ્રીક ટન જેટલી કેરીનું ઉત્પાદન થતું હોય છે. જાે કે, આ વખતે પણ કાતિલ ઠંડી અને કમોસમી વરસાદને કારણે કેરીના ઉત્પાદનને માઠી અસર થશે તેવું જાણવા મળે છે. અમરેલી અને ગીર-સોમનાથમાં ડીસેમ્બર અને જાન્યુઆરીના પ્રારંભમાં માવઠુ થયું હતું જેને કારણે વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું અને કેરીના ઝાડ ઉપર મોર આવવામાં વિલંબ થયો હતો. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૫ દિવસથી કાતિલ ઠંડીને કારણે પણ કેરીના પાક ઉપર માઠી અસર થવાની છે. જૂનાગઢ કૃષિ યુનિ. ખાતેના ફ્રુટ સાયન્સ વિભાગના વડા ડો. ડી.કે. વરૂએ જણાવ્યું હતું કે, કેરીના પાકને રાત્રીના સમયમાં ૧૨ અને ૧૫ ડીગ્રીના સેલ્સીયસ વચ્ચે તાપમાન જાેઈએ અને દિવસે ડીસેમ્બર, જાન્યુઆરીમાં ૨૫ ડીગ્રી જેટલું તાપમાન જરૂરી હોય છે. આ વર્ષે તાપમાન ૮ ડીગ્રી જેટલું ચાલ્યું ગયું છે જેના કારણે ઝાડ ઉપર મોર આવવામાં અસર થઈ છે. વળી, માવઠાએ પણ અસર પહોંચાડી છે. નીચું તાપમાન કેરીના પાકમાં રોગ પણ ઉભો કરી શકે છે. તેથી ખેડૂતોએ હવે પાકને બચાવવા માટે વધુ પેસ્ટીસાઈડની જરૂર ઉભી કરવી પડશે. તાલાળાના જામવાળા વિસ્તારના કેસર કેરી ખેતરના માલિક જયેશ હીરપરાના જણાવ્યા પ્રમાણે દર વખતે મને મારા ૧૨૦ જેટલા કેરીના ઝાડ ઉપરથી રૂા.૨ લાખ મળે છે પરંતુ આ વખતે મને રૂા.૪ લાખની ઓફર કરવામાં આવી છે. આ વખતે વેપારીઓ ડબલ ભાવ આપવા તૈયાર થયા છે.

error: Content is protected !!